વડોદરા : વડોદરા નજીક આવેલા વખતપુરા ગામે મીની નદીના કોતરમાં પશુઓ ચરાવવા ગયેલી ૫૫ વર્ષીય આધેડ મહિલા પર દુષ્કર્મ ગુજારી તેમની ઘાતકી હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને અદાલતે દુષ્કર્મના ગુનામાં ૨૦ વર્ષની અને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપીએ મહિલાની લાચારીનો લાભ લઈ બર્બરતાપૂર્વક હત્યા કરી છે.
કેસની વિગત એવી છે કે, તા. ૧૪ મે ૨૦૨૦ના રોજ મહિલા સવારે સાડા આઠ
વાગ્યાના સુમારે નદીના કોતરમાં ભેંસો ચરાવવા ગયા હતા. બપોરે ભેંસો એકલી ઘરે પરત
ફરતા મહિલાની ચિંતાતુર દીકરી અને પરિવારજનો તેમને શોધવા નીકળ્યા હતા, જ્યાં કોતરની ઝાડીઓમાં નિર્વસ્ત્ર હાલતમાં મહિલાની લોહીલુહાણ લાશ મળી આવી
હતી. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા
જવાહરનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો.
પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરતા ખુલવા પામ્યું હતું
કે, આરોપી છુટકુ દીનદયાળ યાદવ (રહે.અનગઢ, મુળ રહે.બિહાર)
નામના શખ્સે પશુ ચરાવતી આધેડ મહિલાને એકલી જોઈ તેણે દુષ્કર્મ આચર્યું હતું અને
ત્યાર બાદ તેની ઓળખ છતી ન થાય તે માટે છરીના ઘા મારી મહિલાની હત્યા કરી હતી.
ઘટનાસ્થળેથી પોલીસને આરોપીનો મોબાઈલ ફોન અને ચપ્પુ મળી આવ્યું હતું, જે આ કેસમાં મહત્વના પુરાવા સાબિત થયા હતા.
આ કેસ અદાલતમાં ચાલી જતા તેમાં સરકારી વકીલ એચ.આર. જોષીએ દલીલ કરી હતી કે આ ગુનો અત્યંત ક્રુર અને જધન્ય છે. આ કેસમાં ફરિયાદી પક્ષે કુલ ૧૪ સાક્ષીઓ તપાસ્યા હતા અને ૩૨ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જોકે પંચ સાક્ષીઓ ફરી ગયા હોવા છતાં, એફ.એસ.એલ રિપોર્ટ, ડીએનએ ટેસ્ટ અને સ્થળ પરથી મળેલા આરોપીના મોબાઈલ ફોનના વૈજ્ઞાાનિક પુરાવાઓએ આરોપીની હાજરી સાબિત કરી હતી. ન્યાયાધીશ શ્રીમતી પ્રિયંકા અગ્રવાલે આરોપી છુટકુ યાદવને હત્યા તેમજ દુષ્કર્મના ગુનામાં કસુરદાર ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.
ક્રૂરતાની પરાકાષ્ઠા : છાતી પર કુદકા મારી મહિલાની પાંસળીઓ તોડી
નાખી
આ કેસમાં આરોપીની ક્રુરતા જોઇને જોઈને કોર્ટ પણ સ્તબ્ધ થઈ ગઈ
હતી. આરોપીએ તેની ઓળખ છતી ન થાય તે માટે મહિલાની આંખ પર છરીના ઘા માર્યા હતા.
મેડિકલ રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ નોટ મુજબ, આરોપીએ વૃદ્ધાની છાતી પર ચઢીને એટલા જોરથી
કુદકા માર્યા હતા કે તેમની પાંસળીઓમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. આ બર્બરતા માત્ર
શરીરને નુકસાન પહોંચાડવા માટે નહીં, પણ જીવ લેવાના ઈરાદાથી
કરવામાં આવી હતી. રક્ષણ માગતી વૃદ્ધાના માંેઢા અને ગળા પર છરીના ઘા મારીને આરોપીએ
માનવતા નેવે મૂકી હતી.
સ્થળ પરથી મળેલા મોબાઈલે નરાધમને પકડાવ્યો
આ કેસમાં કોઈ નજરે જોનાર સાક્ષી નહોતા, પરંતુ
સાંયોગિક પુરાવાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બનાવના સ્થળેથી પોલીસને એક મોબાઈલ ફોન
મળ્યો હતો, જેની કોલ ડિટેઇલ્સ અને સીડીઆર રિપોર્ટ પરથી સાબિત
થયું કે તે મોબાઇલ ફોન આરોપી છુટકુ યાદવનો જ હતો. ઉપરાંત, આરોપીના
કબજામાંથી મળેલા રૃમાલ પર મરણ જનાર વૃદ્ધાના લોહીના નિશાન મળી આવ્યા હતા, જે એફ.એસ.એલ તપાસમાં પોઝિટિવ આવ્યા હતા.


