બાર વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ

વડોદરા : બદામડીબાગ વિસ્તારમાં ફુટપાથ પર રહેતા પરિવારની ૧૨ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને કસુરદાર ઠેરવી અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૃા.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. ન્યાયાધીશે સગીરાને વળતર પેટે ૬.૫૦ લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.
કેસની વિગત એવી છે કે,આરોપી મહેશ તડવીએ સપ્ટેમ્બર ૨૦૨૩માં ગણપતિ
વિસર્જનની રાત્રે જ્યારે સગીરા પેડલ રિક્ષામાં સૂતી હતી ત્યારે તેને અવાવરું
જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરા દ્વારા કરવામાં આવેલી ઓળખ
અને મેડિકલ પુરાવાઓના આધારે રાવપુરા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીની ધરપકડ કરી
હતી.આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા તેમાં સરકારી વકીલ પી.સી. પટેલે દલીલ કરી હતી
કે, ભોગ બનનાર અત્યંત ગરીબ પરિવારની હોવાથી અને તેની
લાચારીનો લાભ ઉઠાવી આરોપીએ જે ગુનો કર્યો છે તે અક્ષમ્ય છે.
ન્યાયાધીશે આરોપી મહેશ તડવીને કસુરદાર ઠેરવી ૨૦ વર્ષની સજા
ફટકારી ચૂકાદામાં નોંધ્યું હતું કે, બળાત્કારએ
સ્ત્રીના આત્મા પરનો હુમલો છે, જેની ઈજા ક્યારેય રૃઝાતી નથી.
ખાસ કરીને જ્યારે ભોગ બનનાર એક માસૂમ બાળકી હોય ત્યારે તેની માનસિક અવસ્થા પર
ગંભીર અસર પડે છે. આરોપીની કૃત્ય
પ્રત્યેની કોઈ પસ્તાવો ન હોવાની બાબતે પણ કોર્ટે ગંભીર નોંધ લીધી હતી. ભોગ બનનાર સગીરાના
પુનઃવસન માટે સરકાર તરફથી રૃ. ૬,૫૦,૦૦૦
વળતર ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો હતો.








