Get The App

ભાવનગરમાં મોડી રાત્રે ભયાનક અકસ્માત: પુરપાટ ઝડપે આવતી કારે બાઈકને અડફેટે લીધા બાદ ટેન્કરમાં ઘૂસી, કાકા-ભત્રીજાના મોત

Updated: Jun 7th, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગરમાં મોડી રાત્રે ભયાનક અકસ્માત: પુરપાટ ઝડપે આવતી કારે બાઈકને અડફેટે લીધા બાદ ટેન્કરમાં ઘૂસી, કાકા-ભત્રીજાના મોત 1 - image


Accident in Bhavnagar: ભાવનગરના રિંગ રોડ પર ગત મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે. પુરપાટ ઝડપે દોડતી એક કારે બાઈક સવાર કાકા-ભત્રીજાને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બંને બાઈક સવારોનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, મૃતક કાકા-ભત્રીજો રામ દરબારના એક કાર્યક્રમમાંથી પરત ઘરે ફરી રહ્યા હતા, ત્યારે જ રસ્તામાં તેમને કાળ આંબી ગયો હતો. એક જ પરિવારના બે સભ્યોના અકાળે અવસાનથી સમગ્ર પરિવારમાં ભારે આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે.

બાઈકને ટક્કર માર્યા બાદ કાર બંધ ટેન્કરમાં ઘૂસી 

મળતી માહિતી અનુસાર, અકસ્માત એટલો સર્જરીક હતો કે બાઈકને જોરદાર ટક્કર માર્યા બાદ કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે બેકાબૂ બનેલી કાર રોડની સાઈડમાં ઉભેલા એક બંધ ટેન્કરની પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. કાર ટેન્કરમાં ઘૂસતા જ એટલો પ્રચંડ અવાજ આવ્યો હતો કે આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોતજોતામાં અકસ્માતના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.

આ પણ વાંચો: ભેળસેળિયા સામે પગલાં લેવામાં તંત્ર વામણું! 4 વર્ષમાં 42000થી વધુ ફૂડ સેમ્પલ લીધા પણ જુઓ કેવી કાર્યવાહી કરી

ડોક્ટરોએ કાકા-ભત્રીજાને મૃત જાહેર કર્યા 

લોકોએ તાત્કાલિક અકસ્માત અંગે 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. બાઈક સવાર 48 વર્ષીય બેચરભાઈ બારૈયા અને 28 વર્ષીય રાકેશભાઈ બારૈયાને ગંભીર હાલતમાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, ત્યાં ફરજ પરના ડોક્ટરોએ તપાસ બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

બીજી તરફ, કારમાં સવાર બે વ્યક્તિઓને પણ શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.