વડોદરા,હુજરત પાગા રોડ પર કલકત્તા એસેસરિઝ નામની દુકાન ધરાવતા વેપારીએ દુકાનમાં જ આપઘાત કરી લીધો હતો. વારસાગત દેવું તથા વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વેપારીએ આપઘાત કરી લીધો હોવાનો પરિવારે આક્ષેપ કરતા કારેલીબાગ પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અકોટા સ્ટેડિટમના ગેટની સામે સુંદરવન સોસાયટીમાં રહેતા નિતીનભાઇ ઉર્ફે પિન્ટુ હસમુખલાલ શાહ (ઉં.વ .૪૮) હુજરતપાગા રોડ પર કલકત્તા કાર એસેસરિઝ નામની દુકાન ચલાવતા હતા. ગઇકાલે મોડીરાત સુધી તેઓ ઘરે નહીં આવતા પરિવારજનો શોધવા નીકળ્યા હતા. દુકાને આવીને શટર ઉંચું કરીને તેઓએ જોયું તો પિન્ટુએ દુકાનમાં જ પંખા સાથે વાયર બાંધીને ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે કારેલીબાગ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ છે કે, અમારે વારસાઇ દેવું હતું. જેના કારણે વ્યાજખોરો ચેક લઇને ધમકી આપતા હતા. મૂડી તેમજ વ્યાજનું વ્યાજ વસુલ કર્યા પછી પણ મારા ભાઇ પાસે વધુ રૃપિયાની માગણી કરતા હતા. વ્યાજખોરોના ત્રાસના કારણે જ પિન્ટુએ આપઘાત કર્યો છે. પરિવારે ત્રણ વ્યાજખોરોના નામ પણ કહ્યા હતા. કારેલીબાગ પોલીસ દ્વારા આ અંગે પરિવારજનોના વિગતવાર નિવેદનો લઇ કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, વર્ષ ૧૯૮૯ થી કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. વેપારીએ અગાઉ પણ આપઘાતની કોશિશ કરી હતી.
વેપારી મોબાઇલ ફોન પણ રાખતા નહતા
દુકાનની અસલ ફાઇલ પણ વ્યાજખોરોએ દબાવી રાખી છે
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૃવાર
પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે, વ્યાજખોરો ખોટા હિસાબો આપતા હતા. તેઓ એક કરોડની માગણી કરતા હતા. તેઓ દુકાનની અસલ ફાઇલ દબાવી રાખતા હતા.જેથી, અમે દુકાન પણ વેચી શકતા નહતા. તેઓ અમને આખા પરિવારને ખૂબ જ હેરાન કરતા હતા.તેના ત્રાસથી કંટાળીને જ મારા ભાઇએ આપઘાત કર્યો છે. તેવું મૃતકના નાના ભાઇએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વેપારી મોબાઇલ ફોન પણ રાખતા નહતા.
ચેક રિટર્નના કેસનો ચુકાદો આવવાનો હોઇ વેપારી ટેન્શનમાં હતા
વડોદરા,
પોલીસ દ્વારા સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, ચેક રિટર્નના કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે. એક કેસમાં મૃતકને સજા પણ થઇ હતી. બીજા કેસનો ચુકાદો આવવાનો હતો. જેના કારણે વેપારી ટેન્શનમાં રહેતા હતા. દાદા અને પિતાના સમયથી ચાલતા દેવુ કેટલું હતું, તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. વેપારીની પુત્રી ઓસ્ટ્રેલિયા છે.જ્યારે પુત્ર પૂનામાં છે.


