Get The App

આણંદના પૂર્વ એડિશનલ કલેક્ટર કેતકીબહેન વ્યાસ સામે ACBની મોટી કાર્યવાહી, રૂ.3.56 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ

Updated: Jun 22nd, 2026

GS TEAM

Google News
Google News
આણંદના પૂર્વ એડિશનલ કલેક્ટર કેતકીબહેન વ્યાસ સામે ACBની મોટી કાર્યવાહી, રૂ.3.56 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ 1 - image


ACB On Former Anand Additional Collector: ગુજરાત લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર (RAC) અને હાલ ફરજ મોકૂફી હેઠળ રહેલા વર્ગ-1ના સિનિયર સ્કેલના અધિકારી કેતકીબહેન વ્યાસ વિરુદ્ધ કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત વસાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આણંદના પૂર્વ એડિશનલ કલેક્ટર કેતકીબહેન વ્યાસ સામે ACBની મોટી કાર્યવાહી

ACB દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કેતકીબહેન વ્યાસે પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને કાયદેસરની આવક કરતાં અધધ મિલકતો એકત્રિત કરી હતી. તપાસ દરમિયાન તેમની પાસેથી કુલ રૂપિયા 3,56,03,910ની અપ્રમાણસર મિલકત મળી આવી છે, જે તેમની કાયદેસરની આવકના પ્રમાણમાં 64.84% જેટલી વધુ હોવાનું બહાર આવ્યું છે.

ACBના જણાવ્યા અનુસાર, આ તપાસ માટે 01/04/2012થી તા. 31/03/2023 સુધીનો સમયગાળો (ચેક પિરિયડ) નક્કી કરવામાં આવ્યો હતો. આ 11 વર્ષના ગાળા દરમિયાન તેમણે પોતાના તેમજ પોતાના પરિવારના સભ્યોના નામે સ્થાવર અને જંગમ મિલકતોમાં મોટા પાયે રોકાણ કર્યું હોવાનું સાબિત થયું છે.

રૂ.3.56 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ

આ સમગ્ર મામલે કેતકીબહેન વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988 (સુધારા અધિનિયમ-2018) ની વિવિધ કલમો હેઠળ અમદાવાદ ACB પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનાની આગળની તપાસ નાયબ નિયામકના સુપરવિઝન હેઠળ અમદાવાદ એકમના મદદનીશ નિયામકને સોંપવામાં આવી છે.