Get The App

ABVPના કાર્યકરોની GCASની ઓફિસમાં તોડફોડ, એડમિશન પોર્ટલમાં ખામીઓ સામે રોષ

Updated: May 20th, 2026

GS TEAM

Google News
Google News
ABVPના કાર્યકરોની GCASની ઓફિસમાં તોડફોડ, એડમિશન પોર્ટલમાં ખામીઓ સામે રોષ 1 - image


GCAS And ABVP NEWS : ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એટલે કે GCAS પોર્ટલમાં સર્જાયેલી વ્યાપક ખામીઓના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVP દ્વારા નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત એટલે કે KCG ખાતે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. આશરે એક કલાક સુધી ચાલેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન સત્તાધીશો તરફથી કોઈ સંતોષકારક ઉત્તર ન મળતા મામલો બિચક્યો હતો. રોષે ભરાયેલા કાર્યકરો સીધા જ GCASની મુખ્ય કચેરી તરફ ધસી ગયા હતા અને ત્યાંનો બંધ દરવાજો તોડી નાખ્યો હતો. સ્થિતિ વણસતા પોલીસે કાર્યકરોને આગળ વધતા અટકાવ્યા હતા, જેના પગલે તેઓ ઓફિસની બહાર જ ધરણા પર બેસી ગયા હતા અને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. જો કે, કાર્યકરોએ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડતા અનેક લોકોએ આ હિંસક દેખાવોનો વિરોધ કર્યો હતો. 

ABVPના કાર્યકરોની GCASની ઓફિસમાં તોડફોડ, એડમિશન પોર્ટલમાં ખામીઓ સામે રોષ 2 - image

GCAS પોર્ટલમાં સતત ટેકનિકલ મુશ્કેલીઓ આવતી હોવા છતાં વિદ્યાર્થીઓની સમસ્યાઓનું કોઈ નિવારણ ન આવતા વિદ્યાર્થી પરિષદે આક્રમક વલણ અપનાવ્યું છે. આ સમસ્યાના કાયમી ઉકેલની માંગ સાથે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ABVPના કાર્યકર્તાઓએ એક વિશાળ રેલી કાઢી હતી. આ રેલી જ્યારે GCAS ઓફિસ પહોંચી ત્યારે સુરક્ષાના ભાગરૂપે મેઈન ગેટ બંધ કરી તેમને રોકવાનો પ્રયત્ન કરાયો હતો. જોકે, ત્યાં હાજર પોલીસ કાફલા અને કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું અને અંતે કાર્યકરો ગેટ વટાવી અંદર પ્રવેશવામાં સફળ રહ્યા હતા.


ABVPના કાર્યકરોની GCASની ઓફિસમાં તોડફોડ, એડમિશન પોર્ટલમાં ખામીઓ સામે રોષ 3 - image

ઓફિસ પરિસરમાં પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓએ પોતાની વિવિધ માંગણીઓ અંગે રજૂઆત કરવા માટે ઉચ્ચ અધિકારીઓને બહાર બોલાવ્યા હતા. પરંતુ કચેરીના જવાબદાર અધિકારીઓએ વિદ્યાર્થીઓની વાત સાંભળવા કે યોગ્ય આશ્વાસન આપવાને બદલે ત્યાંથી ચાલતી પકડી હતી. અધિકારીઓના આવા નકારાત્મક વલણને કારણે વિદ્યાર્થીઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. પોલીસ કઈ સમજે કે પગલાં લે તે પહેલા જ આક્રોશિત કાર્યકર્તાઓએ કચેરીનો મુખ્ય પ્રવેશદ્વાર (એન્ટ્રી ગેટ) તોડી નાખ્યો હતો. આ હંગામા બાદ તમામ કાર્યકર્તાઓએ ગેટની બહાર જ ધામા નાખીને વહીવટીતંત્ર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને રામધૂન ગાઈને પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો.