Narmada News: નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારના આમ આદમી પાર્ટી (AAP) ના ફાયરબ્રાન્ડ ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક મોટી કાયદાકીય ગૂંચવણમાં ફસાયા છે. વન વિભાગની જમીન સંબંધિત અને સરકારી કર્મચારી પર હુમલાના વર્ષો જૂના ચકચારી કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે મંગળવારે (23 જૂન) એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને આ કેસમાં કસૂરવાર ઠેરવીને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે તમામ પાસાઓની સુનાવણી બાદ ચૈતર વસાવાને 7 વર્ષની સખત જેલની સજા ફટકારતો હુકમ કર્યો હતો. જો કે હવે વધારે એક કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
ભરૂચ કોર્ટે પણ પોલીસની છબી ખરડવાના કેસમાં ફરી નોટિસ કાઢી
ચૈતર વસાવા સામેની કાનૂની આફતો અહીં જ અટકતી નથી. ભરૂચની સ્થાનિક કોર્ટે પોલીસ પ્રશાસનની છબી ખરડવાના અને બદનામી કરવાના નિવેદન બદલ તેમને કોર્ટમાં હાજર થવા તેડું મોકલ્યું છે. આ કેસમાં 23 જૂને હાજર થવા માટે અગાઉ નોટિસ ઈશ્યૂ કરાઈ હતી, પરંતુ તેની બજવણી ન થતાં સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટમાં રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈ ભરૂચ કોર્ટે ફરી એકવાર નવી નોટિસ કાઢીને ચૈતર વસાવાને આગામી 29 જુલાઈએ કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવા માટે કડક આદેશ કર્યો છે.
આ પણ વાંચો : AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 લોકો દોષિત: ધારાસભ્ય પદ પણ જોખમમાં
વન કર્મચારીઓને ઘરે બોલાવી મારપીટ અને ફાયરિંગ કર્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2023 માં નોંધાયેલી એક સત્તાવાર પોલીસ ફરિયાદ સાથે જોડાયેલો છે. ઇન્ચાર્જ સરકારી વકીલ વંદના ભટ્ટે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની સરકારી જમીન પર વન કર્મચારીઓએ ગેરકાયદે થયેલું વાવેતર દૂર કર્યું હતું. આ બાબતની અદાવત રાખીને ધારાસભ્ય ચૈતર વસાવાએ વન કર્મચારીઓને વાતચીત કરવા પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યાં તેમને સરકારી ફરજ કરતા અટકાવી, તેમની સાથે ધોલ-ધપાટ કરી અને પોતાની બંદૂક વડે હવામાં ગોળીબાર કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
60,000 ની ખંડણી માંગવાનો પણ આક્ષેપ
આટલું જ નહીં, આ ઘટનાના બીજા દિવસે ધારાસભ્યના પીએ (PA) અને અન્ય ઇસમોએ વન કર્મચારીઓ પાસે બે વ્યક્તિઓને આપવાના બહાને 60,000 રૂપિયાની ખંડણી માંગી હોવાનો પણ કેસમાં ઉલ્લેખ છે. આ ઘટના બન્યા બાદ ચૈતર વસાવા લાંબા સમય સુધી પોલીસને ચકમો આપીને ફરાર રહ્યા હતા અને આશરે 1 મહિના અને 9 દિવસ બાદ તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. આ હાઈપ્રોફાઈલ કેસમાં લાંબી કાયદેસરની કાર્યવાહી અને ટ્રાયલ ચાલ્યા બાદ કોર્ટે આ તમામ લોકોને સજા ફટકારી છે.


