Get The App

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 લોકો દોષિત: ધારાસભ્ય પદ પણ જોખમમાં

Updated: Jun 23rd, 2026

GS TEAM

Google News
Google News
AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 લોકો દોષિત: ધારાસભ્ય પદ પણ જોખમમાં 1 - image

AAP MLA Chaitar Vasava and Wife Sentenced to 7 Years Jail: નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વર્ષો જૂના કેસમાં આજે(23મી જૂન) રાજપીપળા સેશન્સ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને આ કેસમાં દોષિત જાહેર કર્યા છે. કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારી છે. 

ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીને ઘરે બોલાવી કરી હતી મારામારી-ફાયરિંગ 

આ સમગ્ર વિવાદ નવેમ્બર 2023માં નોંધાયેલી એક સત્તાવાર પોલીસ ફરિયાદ સાથે જોડાયેલો છે. આ ફરિયાદ મુજબ, ધારાસભ્ય ચૈતર વસાવા પર આક્ષેપ હતો કે તેમણે વન વિભાગના કર્મચારીઓને વાતચીત કરવા ઘરે બોલાવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે મારામારી કરી હતી. એટલું જ નહીં, તેઓને સરકારી ફરજ કરતાં અટકાવીને, હવામાં ફાયરિંગ કરીને, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બન્યા બાદ ચૈતર વસાવા લાંબા સમય સુધી ફરાર રહ્યા હતા અને ઘટનાના 1 મહિના અને 9 દિવસ બાદ તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. આ કેસમાં લાંબી કાયદેસરની કાર્યવાહી અને ટ્રાયલ બાદ કોર્ટે આ ચુકાદો આપ્યો છે.

સરકારી વકીલ: ચૈતર વસાવા, તેમના પત્ની સહિત 9 લોકો દોષિત જાહેર

આ મામલે માહિતી આપતા ઇન્ચાર્જ સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે, 'આ કેસ વર્ષ 2023માં ફોરેસ્ટ ઑફિસર પર થયેલા હુમલા અંગેની છે. જેમાં ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓ સામેલ છે. આજે કોર્ટે તમામ આરોપીઓને દોષિત જાહેર કરી સજા ફટકારવાનો આદેશ કર્યો છે.'

સરકારી વકીલના જણાવ્યાઅનુસાર, આ કેસ વર્ષ 2023 નો છે. દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગ (ફોરેસ્ટ) ની સરકારી જમીન પર વન કર્મચારીઓએ ગેરકાયદે થયેલું વાવેતર દૂર કર્યું હતું. આ બાબતની અદાવત રાખીને ધારાસભ્ય ચૈતર વસાવાએ વન કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યાં તેમને ધાક-ધમકી આપી, ધોલ-ધપાટ કરી અને પોતાની બંદૂક વડે હવામાં ગોળીબાર કરીને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. આટલું જ નહીં, તેના બીજા દિવસે ધારાસભ્યના પીએ (PA) અને અન્ય ઇસમોએ વન કર્મચારીઓ પાસે બે વ્યક્તિઓને આપવાના બહાને 60,000 રૂપિયાની ખંડણી માંગી હતી.

આ કેસમાં કાયદાકીય રીતે આરોપીઓને ભીંસમાં લેવા માટે સરકારી પક્ષે મજબૂત પુરાવા રજૂ કર્યા હતા. ભોગ બનનાર કર્મચારીએ ખંડણી આપવા માટે ડેડિયાપાડા નજીકના એટીએમ (ATM) માંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જતાં સ્લીપ નીકળી હતી. ત્યારબાદ કર્મચારીએ પોતાના ઉપરી અધિકારીને ફોન કરતાં અધિકારીએ ઓનલાઇન ₹30-30 હજાર ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં આ રકમ જે વ્યક્તિની જમીન પર ગેરકાયદેસર વાવેતર હતું ત્યાંથી જ મળી આવી હતી. કોર્ટે આ આખી કડી કમ્પ્લીટ હોવાનું નોંધીને તમામ પુરાવા ગ્રાહ્ય રાખ્યા હતા.

તમામ 9 આરોપીઓ જેલહવાલે, ડિસ્ટ્રિક્ટ ટ્રાન્સફરની અરજી કરાઈ

અદાલતના હુકમ બાદ તમામ 5 પુરુષ આરોપીઓ અને 4 મહિલા આરોપીઓ (જેમાં એક ગર્ભવતી મહિલા અને એક નવજાત બાળકની માતા પણ સામેલ છે) ને રાજપીપળા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. નવજાત બાળકની માતાએ બાળકને સાથે રાખવાની મંજૂરી માંગી છે.

ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જોખમમાં 

ભારતીય બંધારણ અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમના નિયમો અનુસાર, જો દેશના કોઈ પણ સાંસદ અથવા ધારાસભ્યને અદાલત દ્વારા 2 વર્ષ કે તેથી વધુની જેલની સજા ફટકારવામાં આવે, તો તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ થઈ જાય છે. રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને પૂરા 7 વર્ષની સજા સંભળાવી હોવાથી, કાયદાકીય રીતે તેમનું ધારાસભ્ય પદ હવે રદ થવાના આરે છે. હવે વસાવા પાસે હાઇકોર્ટમાંથી આ સજા પર સ્ટે મેળવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.