Get The App

જામનગરની સમર્પણ હોસ્પિટલમાં ચાર દિવસ પહેલાં જ નર્સ તરીકે નોકરી પર ચડેલી એક યુવતીનું કાર અકસ્માતમાં કરુણ મૃત્યુ નિપજ્યું

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરની સમર્પણ હોસ્પિટલમાં ચાર દિવસ પહેલાં જ નર્સ તરીકે નોકરી પર ચડેલી એક યુવતીનું કાર અકસ્માતમાં કરુણ મૃત્યુ નિપજ્યું 1 - image

જામનગર તાલુકાના અલિયાબાડામાં રહેતી એક યુવતી કે જે ચાર દિવસ પહેલા જ સમર્પણ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ પર જોડાઈ હતી, અને ગઈ રાત્રે પોતાના મંગેતર સાથે કારમાં આંટો મારવા નીકળતાં રસ્તામાં કાર વિજપોલ  સાથે ટકરાઈ ગઈ હતી.

જે અકસ્માતમાં યુવતીનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું હતું, તેના આંખના ડોળા બહાર નીકળી ગયા હોવાથી બિહામના દ્રશ્ય સર્જાયા હતા. મંગેતર પણ ગંભીર સ્વરૂપે ઘાયલ થયો હોવાથી જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના આલિયાબાડા ગામમાં રહેતા દેવરાજભાઈ જીવાભાઈ ભાગવત ની ૧૯ વર્ષ પુત્રી વિજયાબેન, કે જે આજથી ચાર દિવસ પહેલાં જામનગરની સમર્પણ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી પર ચડી હતી, અને જામનગર શહેરમાં અન્ય યુવતીઓ સાથે  એક મકાનમાં પેઇંગ ગેસ્ટ તરીકે જોડાઈ હતી.

દરમિયાન તેણી ગઈકાલે રાત્રે પોતાના મંગેતર જગદીશ દેસરાભાઈ યાદવ સાથે જી.જે.-10 એ.સી. 537 નંબરની કારમાં બેસીને જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર આંટો મારવા માટે નીકળી હતી. જે દરમિયાન મોડી રાત્રે તેઓની કાર રસ્તામાં એક વીજ પોલ સાથે ટકરાઈ ગઈ હતી, અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં વિજયાબેનનું માથું છુંદાઈ ગયું હતું, અને આંખના ડોળા પણ બહાર નીકળી ગયા હતા. જેથી બિહામણાં દ્રશ્યો સર્જાયા હતા, અને તેણીનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. 

આ ઉપરાંત તેણીના મંગેતર કાર ચાલક જગદીશ યાદવને પણ પગમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજા થઇ છે, અને હાલ તે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, અને તેના ઓપરેશન થઈ રહ્યા છે.

આ અકસ્માતના બનાવની જાણ થતાં જગદીશભાઈના પરિવારજનો, તેમજ વિજયાબેન ના પિતા દેવરાજભાઈ ભાગવત વગેરે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, ત્યારે ભારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતના બનાવ અંગે મૃતક વિજયાબેન ના પિતા દેવરાજભાઈ ભાગવતે કારના ચાલક પોતાના જમાઈ જગદીશ યાદવ સામે ફરિયાદ નોંધાવી છે. સિક્કાની પોલીસ ટુકડી બનાવના સ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ હતી, અને વિજયાબેનના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક વિજયાબેન નું સગપણ ગત દિવાળીના સમયમાં જ થયું હતું, અને પોતે નોકરી પર ચાર દિવસ પહેલાજ જોડાઈ હતી, અને ગઈકાલે રાત્રે બંને કારમાં આંટો મારવા માટે જતાં માર્ગમાં ગોઝારો અકસ્માત નડ્યો હતો, જેથી મંગેતર વિજયાબેનનું મૃત્યુ નિપજ્યું છે.