કાલાવડ રોડ પર પગપાળા જતાં યુવકને છરી બતાવી લૂંટી લેવાયો

વહેલી સવારે ત્રણે'ક વાગ્યા આસપાસ બનેલી ઘટના
ક્રાઇમ બ્રાંચે લૂંટમાં સંડોવાયેલા સગીર સહિત ત્રણ આરોપીને ઝડપી લીધા, બે બાઇક કબજે
ન્યારી ડેમ રોડ પર સફલ બિલ્ડિંગમાં રહેતો કુલદીપ વિંઝુડા (ઉ.વ.૨૧) કેટરર્સનું કામ કરે છે. આજે વહેલી સવારે વતન તાલાલાના જસાપુર જવા માટે ઘરેથી પગપાળા નીકળ્યો હતો. કાલાવડ રોડ પરથી રીક્ષામાં બસ સ્ટેન્ડ જવાનો હતો. કાલાવડ રોડ પર પહોંચતા બાઇક પર આવેલા બે શખ્સોએ છરી બતાવી તેનો થેલો આંચકી લીધો હતો.
એટલું નહીં તેના ખિસ્સામાં રહેલા પાકીટમાંથી રૂા. ૨૨૦૦ કાઢી પાકીટ પાછુ આપી દીધું હતું. તેનો મોબાઇલ ફોન પણ લઇ લીધો હતો. બંને શખ્સોએ કોલ કરતાં બીજા બે શખ્સો આવ્યા હતાં. તે બંને શખ્સોએ પણ તેને ગાળો ભાંડી મારકૂટ કરી હતી. તેને પેટમાં વાગતા નીચે બેસી ગયો હતો. ચારેય શખ્સો તેનો મોબાઇલ ફોન પરત આપી બે ટુ વ્હીલર ઉપર ભાગી ગયા હતા.
તત્કાળ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યા બાદ રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે દરમિયાન તેને ઉલ્ટી થતા અને પેટમા દુઃખાવો થતાં સિવિલમાં સારવાર લીધી હતી. આ બનાવની જાણ થતા ક્રાઇમ બ્રાંચ હરકતમાં આવી હતી. વાહન નંબર અને સીસીટીવી કેમેરા વગેરેના આધારે લૂંટમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતાં.
જેમાં ધવલ ભોજાભાઈ પરમાર (ઉ.વ.૨૩) અને ભરત લાખાભાઈ રાઠોડ (ઉ.વ.૨૬, રહે. બંને મેટોડા ગેઇટ નં. ૧) ઉપરાંત એક સગીરનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે ગુનામાં વપરાયેલા બે બાઇક કબજે કર્યા હતાં. આરોપી ધવલ સામે શાપર અને જેતપુર તાલુકા પોલીસમાં પ્રોહીબીશનના ત્રણ ગુના નોંધાયેલા છે.








