Gujarat

ચોટીલામાં ધોળાદિવસે ફાયરિંગમાં ઝીંઝુડાના યુવાનનું મોત નિપજ્યું

By GS Team
28 Feb 20221 min read
This article was originally published on 28 Feb 2022
ચોટીલામાં ધોળાદિવસે ફાયરિંગમાં ઝીંઝુડાના યુવાનનું મોત નિપજ્યું

સુરેન્દ્રનગર : ચોટીલામાં થાન રોડ ઉપર ભરબજારે ધોળા દિવસે ઘાતક હથિયારોથી હુમલો અને ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. હુમલામાં ઝીંઝુડાના કાઠી યુવાનનું મોત નિપજતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો હતો. ચોટીલા - થાન રોડ ઉપર આવેલા વાસુકી મંદિર પાસે ધોળા દિવસે ભરબજારે ફાયરિંગ કરીને અને ઘાતક હથિયારોથી હુમલાની ઘટના બની હતી. ચારથી પાંચ શખ્સોએ ઝીંઝુડા ગામનાં ધર્મેન્દ્રભાઈ ખાચર નામના કાઠી યુવાન ઉપર ફાયરિંગ કરી ઘાતક હથિયારોથી હુમલો કરતા ગંભીર ઈજાથી ધર્મેન્દ્રભાઈનું મોત નિપજયુ હતુ. આ ઘટનાથી બજારમાં સોપો પડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં જુની અંગત અદાવતમાં આ હુમલો થયો હોવાનું જાણવા મળે છે. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકની લાશને રેફરલ હોસ્પીટલ મોકલી હુમલાના સી.સી.ટી.વી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 

હુમલાખોરોને ઝડપી લેવા સઘન તપાસ શરૂ કરાઈ છે.