Get The App

રૃપિયાની પઠાણી ઉઘરાણીના ત્રાસથી યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
રૃપિયાની પઠાણી ઉઘરાણીના ત્રાસથી યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું 1 - image

મૃતકના ભાઈએ ચાર શખ્સ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી

વ્યાજે આપેલા નાણાંની ઉઘરાણી કરી ધમકી આપી એકટીવા પડાવી લીધું

ભાવનગર - શહેરના મહિલા કોલેજ સર્કલ પાસે રહેતા યુવાને કેટરિંગના વ્યવસાય માટે વ્યાજે રૃપિયા લીધા હતા. લીધેલા વ્યાજની પઠાણી ઉઘરાણીના ત્રાસથી કંટાળી યુવાને ગળાફાંસો ખાઈ મોતને મીઠું કર્યું હતુ.

કૃષ્ણનગર મહિલા કોલેજ સર્કલ પાસે આવેલ સાઈ જ્યોત ફ્લેટમાં રહેતા કૃણાલભાઈ ઉમેશભાઈ માંડળીયાના નાનાભાઈ મેહુલભાઈ ઉમેશભાઈ માંડળીયા કેટરીંગના ધંધો કરતા હતા અને કેટરિંગના વ્યવસાયમાં પૈસાની જરૃર પડતા પીન્ટુ ચસ્કા મસ્કા વાળા તથા રવી ચંદુભાઈ ખોખર, ગોપાલ તેમજ લાલા સાટીયા (રહે. તમામ ભાવનગર) પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને થોડો સમય બાદ તમામ લોકો વ્યાજે લીધેલા રૃપિયાની ઉઘરાણી કરવા લાગ્યા હતા. જેનું આ લોકો ઉંચુ વ્યાજ મેહુલભાઈ પાસેથી વસુલતા લાગ્યા હતા. અને મેહુલભાઈને વ્યાજ તેમજ મુદ્દલ નિયમીત ચુકવવા રૃબરૃ તેમજ ફોનથી સતત ધાકધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરતા હતા. તેમજ લાલા સાટીયાએ એક્ટીવા સ્કુટર મેહુલભાઈ પાસેથી બળજબરીથી પડાવી  લીધું હતું. તથા રવી ચંદુભાઈ ખોખરે મેહુલભાઈ પાસે પૈસાની પઠાણી ઉઘરાણી કરી પૈસા નહી આપે તો ઘરના સભ્યોને બહાર કાઢી ઘરને તાળુમારી કબ્જો લઈ લેવા ગંભીર ધાકધમકી આપતા હોય મેહુલભાઈ ત્રાસથી કંટાળી મેહુલભાઈએ ગળાફાંસો ખાઈ લેતા ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મેહુલભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ કૃણાલભાઈએ ચાર શખ્સ વિરૃધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ફોનમાં ધમકી આપી ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરાવી લીધી

મૃતકના મોબાઈલમાંથી વ્યાજે લીધેલા રૃપિયાની પઠાણી ઉઘરાણી કરતી વોઇસ નોટ અને મોબાઈલ ફોનમાં વોટ્સએપ ચેટમાં તપાસ કરતા ગોપાલના નામથી સેવ થયેલ મોબાઈલ પરથી મેસેજની ચેટ જોતા ગોપાલ રવી વતી મેહુલભાઈને વ્યાજે આપેલ પૈસાની ઉઘરાણી કરતો હોવાનું અને મેહુલભાઈ પાસેથી રવી ચંદુભાઈ ખોખરના ખાતમાં ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરાવતો હોવાનું ખુલ્યું હતું.