Get The App

મહેમદાવાદના અકલાચાની કંપનીમાં બોઈલરમાં ખેંચાઈ જતા યુવકનું મોત

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
મહેમદાવાદના અકલાચાની કંપનીમાં બોઈલરમાં ખેંચાઈ જતા યુવકનું મોત 1 - image

- શિકાગો બ્લોવર કંપનીની બેદરકારી છે કે કેમ તે અંગે તપાસ

- શરીરના અવશેષો 50 ફૂટ સુધી પથરાયા : મહુધાના ધંધોડી ગામના યુવકના મૃત્યુથી પરિવારમાં આક્રંદ

નડિયાદ : ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામમાં આવેલી શિકાગો બ્લોવર કંપનીમાં આજે બપોરના સમયે એક હૃદયદ્રાવક દુર્ઘટના બની છે. મહુધા તાલુકાના ધંધોડી ગામનો યુવાન કામ દરમિયાન બોઇલર મશીનમાં આવી જતા શરીરના ટુકડે ટુકડા થઈ ગયા હતા. અવશેષો કંપનીમાં ૫૦ ફૂટ જેટલા વિસ્તારમાં ફેલાઈ ગયા હતા. આ બનાવ અંગે એફએસએતની ટીમ સહીત મહેમદાવાદ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. યુવકના માતા-પિતા અને પત્ની સહિતના પરિવાર પર આભ તૂટી પડયું છે.

ખેડા જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં કર્મચારીઓ માટે સુરક્ષાના મામલે વધુ એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. મહેમદાવાદ નજીક આવેલા અકલાચા ગામની સીમમાં આવેલી શિકાગો બ્લોવર કંપનીમાં બપોરના સુમારે મહુધા તાલુકાના ધંધોડી ગામનો નરેન્દ્રભાઈ ખોડાભાઈ (ઉં.વ. આશરે ૩૦) નોકરી પર ફરજ બજાવતો હતો. ચાલુ કામગીરી દરમિયાન અચાનક બોઇલર મશીનમાં યુવક આવી ગયો હતો. યુવાનના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા હતા અને તેના કુરચે કુરચા ઉડીને બોઇલરથી આશરે ૫૦ ફૂટ દૂર સુધી અલગ અલગ જગ્યાએ પડયા હતા. 

કંપનીમાં સાથે કામ કરતા અન્ય કર્મચારીઓએ જણાવ્યું હતું કે, બોઇલરની હવાના અતિશય પ્રેસરને કારણે યુવાન મશીનની અંદર ખેંચાઈ ગયો હતો. અકસમાતની જાત થતા મહેમદાવાદ પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા એફએસએલની ટીમે સ્થળ પરથી યુવકના શરીરના અવશેષો ભેગા કરવાની અને પુરાવા એકત્ર કરવાની તજવીજ શરૂ કરી હતી. યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. યુવકના માતા-પિતા અને પત્ની હૈયાફાટ રુદન કરી રહ્યા છે. આ બનાવને પગલે કંપનીની અંદર અને બહાર ગમગીનીનો માહોલ ફેલાઈ ગયો છે. પોલીસે અકસ્માત કયા સંજોગોમાં બન્યો અને તેમાં કંપનીની કોઈ બેદરકારી હતી કે કેમ તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.