Vadodara Crime : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તે પાનના ગલ્લે બે મિત્રો ઊભા હતા ત્યારે જૂના ઝઘડાની અદાવતે આવેલા ત્રણ યુવકે કેટરિંગ સંચાલક અને તેના મિત્ર સાથે તકરાર કરી અશ્લીલ ગાળો દીધી હતી. અચાનક પાછળથી ધસી આવેલા એક યુવકે કેટરિંગ સંચાલક યુવકનો કાન કરડી ખાધો હોવાની ફરિયાદ નોંધાતા પાણીગેટ પોલીસે તપાસ હાથ ધરી હતી.
વાઘોડિયા રોડ પર વૃંદાવન હાઇટ્સમાં રહેતા અને કેટરિંગનો વેપાર ધંધો કરતા દિપક હસમુખ વસાવા (ઉં.22) અને તેનો મિત્ર પ્રેમ કહાર ટુ વ્હીલર પર નીકળ્યા હતા. બરોડા ડેરી નજીક નાસ્તો કરીને ગઈ તા.27ની મોડી રાત્રે પરિવાર ચાર રસ્તે તેમના અન્ય મિત્રો સાથે પાનના ગલ્લે ઊભા હતા. ત્યારે નજીકમાં ત્રણ છોકરાઓ ઝઘડતા હતા. જેથી દીપક વસાવાએ કેમ ઝઘડો કરો છો તેમ પૂછતાં તમામે અશ્લીલ ગાળો દઈને તકરાર શરૂ કરી મારામારી કરી હતી. થોડી જ વારમાં પાછળથી ત્રિપુટીના અચાનક આવેલા અન્ય ધ્રુવ ગજેરાએ દીપકનો કાન કરડી ખાધો હતો. આ વખતે ઘટના સ્થળે હાજર બે છોકરીઓ પણ મારામારીમાં છોડાવવા વચ્ચે પડી હતી. લોહી લુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાંથી સારવાર બાદ દિપક વસાવાએ બનાવ અંગે ફરીયાદ નોંધાવતા પાણીગેટ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.


