Get The App

દહેગામમાં બેફામ દોડતા ડમ્પરે માતા પુત્રને અડફેટે લીધા ઃ માતાનું મોત

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
દહેગામમાં બેફામ દોડતા ડમ્પરે માતા પુત્રને અડફેટે લીધા ઃ માતાનું મોત 1 - image

શહેરમાં વધતા જતા ડમ્પરોના ત્રાસથી રહીશો હેરાન

બાયડમાં મકાનનું ભાડું લઈને પરત આવી રહ્યા હતા તે સમયે અકસ્માતની ઘટના બની ઃ ડમ્પર ચાલક ફરાર

ગાંધીનગર : દહેગામ શહેરમાં સાત ગરનાળા પાસે પૂરઝડપે આવતા ડમ્પરે બાઇકને પાછળથી ટક્કર મારતા બાઇક પાછળ બેસેલા વૃદ્ધાનું ડમ્પરના ટાયર નીચે આવી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક ચલાવી રહેલા તેમના પુત્રને સામાન્ય ઇજાઓ પહોંચતા તેનો ચમત્કારિક બચાવ થયો હતો.

દહેગામ શહેરમાં બેફામ દોડતા ડમ્પરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે વધુ એક ડમ્પરની અડફેટે વૃદ્ધાનું મોત થયું હતું. જેને લઇ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના ડભોડામાં રહેતા અને મેટ્રોમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા રાજદીપસિંહ રમેશભાઇ વસાવા ગઇકાલે સાંજે તેમના માતા સુમિત્રાબેન સાથે બાઇક પર બાયડ ખાતે પોતાના મકાનનું ભાડું લેવા ગયા હતા. ભાડું લઈને પરત ડભોડા ફરી રહ્યા હતા ત્યારે રાત્રે પોણા આઠ વાગ્યાના સુમારે દહેગામ સાત ગરનાળા પાસે રાજદીપસિંહ જ્યારે ઉમિયા મોબાઇલ પાસેના કટથી અંદર વળી રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે આવતા ડમ્પરના ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ રાજદીપસિંહ ડિવાઇડર તરફ ફંગોળાયા હતા, જ્યારે પાછળ બેસેલા તેમના માતા સુમિત્રાબેન ડમ્પરના ટાયર નીચે આવી ગયા હતા અને થોડે સુધી ઢસડાયા હતા. ગંભીર ઇજાઓ થવાને કારણે સુમિત્રાબેનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

અકસ્માત બાદ લોકોના ટોળા એકઠા થતા ચાલક ઘટનાસ્થળે ડમ્પર જ મૂકીને નાસી છૂટયો હતો. મૃતક સુમિત્રાબેન આંગણવાડી સુપરવાઇઝર તરીકે નિવૃત્ત થયા હતા. દહેગામ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.