અમદાવાદ,બુધવાર,
25 માર્ચ,2026
વર્ષ-૨૦૨૭ અંત સુધીમાં એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ. માટે
મળીને કુલ ૧૯૭૦ ઈલેકટ્રિક બસ આવશે એવી જાહેરાત કરાઈ છે.આ પ્રકારની જાહેરાત
સંદર્ભમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિપાનીએ ટ્રાન્સપોર્ટ મેનેજર આર.એલ.પાંડેને
વેધક સવાલ કરતા પુછયુ હતુ કે,આટલી
મોટી સંખ્યામાં તમે ઈલેકટ્રિક બસ લેવા જઈ રહયા છો ત્યારે આ તમામ બસો માટે ચાર્જિંગ
સ્ટેશન કયાં છે?તેના
જવાબમાં ટ્રાન્સપોર્ટ મેનેજરે તૈયારી ચાલે છે એવો જવાબ આપતા કમિશનર અકળાયા
હતા.તેમણે કડક શબ્દોમા કહયુ,આમ ના
ચાલે તમે તાત્કાલિક કામગીરી શરુ કરાવો.શહેરમાં ગરમી માટે જાહેર કરવામા આવતા
હોટસ્પોટને લઈને પણ કમિશનરે અધિકારીને ખખડાવતા કહયુ,હોટસ્પોટ જાહેર કરીને છટકી ના જાવ.ત્યાં રહેતા લોકોને
પીવાના પાણીના ટેન્કર અને ઓ.આર.એસ.પણ પહોંચાડો.
ત્રણ દિવસ પહેલા કોર્પોરેશન તરફથી ઈલેકટ્રિક બસો
એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.માં આવશે એ પ્રકારની અખબારી યાદી બહાર પાડવામા આવી
હતી. આ બાબતને લઈ મ્યુનિસિપલ કમિશનર વીકલી રીવ્યુ બેઠકમાં ટ્રાન્સપોર્ટ મેનેજરના
જવાબથી નારાજ થયા હતા.આટલા વ્યાપક સ્તરે જયારે એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.માટે
નિર્ણય લેવામા આવતો હોય.વર્ષ-૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સની તૈયારી પણ કરવાની છે
ત્યારે અંદાજે બે હજાર ઈલેકટ્રિક બસોના ચાર્જિંગ માટે કોઈ વ્યવસ્થા કે આયોજન જ ના
હોય એ કેવી રીતે ચાલી શકે એવો કમિશનરે સવાલ કર્યો હતો.હેલ્થ વિભાગના અધિકારીને હોટ
સ્પોટની બાબતમાં આડેહાથ લીધા પછી કમિશનરે ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ભાવિન સોલંકીને
હવાના પ્રદૂષણને લઈ કેટલાક સવાલ કર્યા હતા.જેમાં શહેરમાં ૧૪૦૦ બાંધકામ સાઈટનુ
સ્ટેટસ માંગતા તેઓ માહિતી આપી શકયા નહોતા.શહેરના કેટલાક વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર
લાઈનમાં ડ્રેનેજના જોડાણ કેવી રીતે જાય છે એ તપાસ કરવા અધિકારીઓને કહયુ હતુ.


