પાટનગરના માર્ગો ઉપર વધતા જતા અકસ્માતો વચ્ચે
એમએલએ કવાર્ટરમાં લિફ્ટમેન તરીકે નોકરી કરતા ગામના જ બે કર્મચારી બાઈક ઉપર આવતા હતા ત્યારે અકસ્માત
ગાંધીનગર શહેર તેમજ આસપાસના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે અને તેમાં પણ મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આ સ્થિતિમાં આજે વહેલી
સવારે શહેરના ચ માર્ગ ઉપર ચ પાંચ પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં બાસણ ગામના આધેડનું
મોત થયું છે. જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે બાસણ ગામના રહેવાસી
દિપકકુમાર પ્રધાનજી ઠાકોર અને દિનેશકુમાર નાથાજી ઠાકોર બંને સેક્ટર-૧૭ ખાતે આવેલા
એમ.એલ.એ. ક્વાર્ટર્સમાં લિફ્ટમેન તરીકે ફરજ બજાવે છે. આજે સવારે તેઓ પોતાની
મોટરસાઇકલ લઈને નોકરી પર જઈ રહ્યા હતા. જ્યારે તેઓ ચ-૫ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા
હતા, ત્યારે
પાછળથી પૂરઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે ગફલતભરી રીતે ટ્રક ચલાવી બાઇકને જોરદાર
ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં દિનેશકુમાર ઠાકોર ટ્રકના ટાયર નીચે આવી ગયા
હતા. તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
જ્યારે મોટરસાઇકલ ચલાવી રહેલા દિપકકુમાર થોડે દૂર ફેંકાઈ જતાં તેમને સામાન્ય ઇજાઓ
પહોંચી હતી.ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને
પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો. ટ્રક ચાલક
સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


