Get The App

સેક્ટર-૨૬ ઓવરબ્રિજ પાસે હરિદ્વાર જતી ટ્રેનની અડફેટે પરિણીતાનું મોત

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
સેક્ટર-૨૬ ઓવરબ્રિજ પાસે હરિદ્વાર જતી ટ્રેનની અડફેટે પરિણીતાનું મોત 1 - image

ઘરેથી દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ

ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી યુવતીના મોત અંગે પોલીસે તપાસ હાથ ધરી

ગાંધીનગર :  ગાંધીનગરના સેક્ટર-૨૬ વિસ્તારમાં આવેલા રેલવે ટ્રેક પર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હરિદ્વાર તરફ જતી ટ્રેનની અડફેટે આવતા એક ૨૫ વર્ષિય યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલે અકસ્માતે મોત દાખલ કરીને તપાસ શરૃ કરી હતી.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સેક્ટર-૨૬ ઓવરબ્રિજ નીચેથી પસાર થતા રેલવે ટ્રેક પરથી જ્યારે હરિદ્વાર જતી ટ્રેન પસાર થઈ રહી હતી, ત્યારે એક યુવતી તેની અડફેટે આવી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવતીનું સ્થળ પર જ મોત થયું હતું. ઘટના સ્થળની નજીકમાં જ સરકારી પોલિટેકનિક કોલેજ આવેલી હોવાથી, અકસ્માતનો અવાજ સાંભળી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ સેક્ટર-૨૧ પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. શરૃઆતમાં યુવતી અજાણી હોવાનું જણાયું હતું પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં તેની ઓળખ થઈ ગઈ છે. મૃતક ગાંધીનગરના સેક્ટર ૩ એ પ્લોટ નંબર ૧૨૨૦ ખાતે રહેતા ગોમતીબેન જયરામસંઘ ચૌધરી હોવાનું બહાર આવ્યું હતું. જેના લગ્ન સાત વર્ષ અગાઉ તબીબ યુવાન સાથે થયા હતા અને હાલ તે ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર આવેલી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. આ મામલે હાલ પોલીસે આ અકસ્માત છે કે આપઘાત તે મામલે તપાસ શરૃ કરી છે.