વાડીના કૂવા પાસે સ્નાન કરી રહેલી મહિલા પર દીપડો ત્રાટક્યો

ગીરગઢડા પંથકના એભલવડ ગામમાં ફફડાટ મહિલાના પુત્રએ હાકલા પડકારા કરી દીપડાને ભગાડયોઃ ગંભીર રીતે ઘાયલ મહિલાને સારવાર માટે ભાવનગર ખસેડાયા
ઊના, : ગીરગઢડા પંથકના એભલવડ ગામની સીમમાં વાડીના કૂવા પાસે સ્નાન કરી રહેલી મહિલા પર દીપડો ત્રાટક્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ મહિલાને પ્રથમ ઊના અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા હતા. એભલવડ ગામની સીમમાં દુદાભાઈ શાર્દુલભાઈ ગોહિલની વાડી આવેલી છે. દુદાભાઈના પત્ની ગીતાબેન (ઉ.વ. 30) વાડીમાં કામ પુરૂ કર્યા બાદ કૂવા પાસે પાણીની કુંડીમાં સ્નાન કરી રહ્યા હતા. આ સમયે અચાનક દીપડાએ આવી ચડી ગીતાબેન પર હુમલો કરી તીક્ષ્ણ ન્હોર ભરાવી પછાડી દીધા હતા. ગીતાબેને બુમાબુમ કરતા પુત્ર અજીતે દોડી આવી હાકલા પડકારા કરી દીપડાને ભગાડયો હતો. આ હુમલામાં ગીતાબેનને ગળા, ગાલ, જમણો હાથ અને પીઠ પર ગંભીર ઇજા પહોંચી હતી. તેમને લોહીલુહાણ હાલતમાં પ્રથમ ઊનાની ખાનગી હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા હતા.








