ડોદરા,વારસિયા અને આણંદ જિલ્લાના ઉમરેઠ ગામે મંદિરમાં ચોરી કરનાર આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડયો છે. આરોપી સામે અગાઉ ૧૧ ગુનાઓ નોંધાયા છે.
ડીસીબી પોલીસને માહિતી મળી હતી કે, ખેડા જિલ્લાના કાલસર ગામનો અને હાલ આજવારોડ સરદાર એસ્ટેટ પાસે ખુલ્લામાં રહેતો રોહિત બારોટ પોતાના થેલામાં ચાંદીના મુગટો રાખી વેચાણ કરવા ફરી રહ્યો છે. જેથી,પોલીસે વોચ ગોઠવીને રોહિત સુરેશભાઇ બારોટ (ઉં.વ.૨૫) ને ઝડપી પાડયો હતો. તેની બેગમાંથી ચાંદીના મુગટ, એક પાયલ, લોખંડની કોશ અને હથોડી મળી આવ્યા હતા. પોલીસે કડક પૂછપરછ કરતા તેણે વારસિયા વિસ્તારના એક મંદિરમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. તેમજ આણંદ જિલ્લાના ઉમરેઠ ગામે પણ એક મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી ચાંદીના મુગટ, પાયલ, બે મોબાઇલ ફોન અને રોકડા મળી કુલ ૨૭,૩૩૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.


