Get The App

ફિલ્મી ઢબે પીછો કરી દારૃ ભરેલી કાર ઝડપી : ૮.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
ફિલ્મી ઢબે પીછો કરી દારૃ ભરેલી કાર ઝડપી : ૮.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત 1 - image

ગાંધીનગર એલસીબીની બાતમીના પગલે કાર્યવાહી

એક આરોપીની ધરપકડએક ફરારરાજસ્થાન પાસિંગની કારમાંથી દારૃની ૩૭૬ બોટલો અને બિયરના ટીન મળ્યાં

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક કુડાસણ પાસે એલસીબીની ટીમ દ્વારા બાતમીના આધારે વિદેશી દારૃ ભરેલી કારનો પીછો કરીને એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે એક ભાગી જવામાં સફળ રહ્યો હતો. કારમાંથી દારૃ અને બિયરની ૩૭૬ જેટલી બોટલ મળી ૮.૧૦ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘૂસાડવામાં આવી રહ્યો છે ત્યારે ગાંધીનગર પોલીસ પણ દારૃની હેરાફેરી કરતા આવા તત્વોને પકડવા માટે દોડી રહી છે. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સ્ટાફના માણસોને એલર્ટ રહીને આ પ્રકારની હેરાફેરી અટકાવવા માટે તાકીદ કરી હતી ત્યારે આજે વહેલી સવારે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે ચિલોડાથી અમદાવાદ તરફ એક સફેદ કલરની ગાડીમાં વિદેશી દારૃનો જથ્થો જઈ રહ્યો છે. પોલીસે ઇન્દ્રોડા સર્કલ પાસે વોચ ગોઠવી હતી, પરંતુ ગાડીના ચાલકે પોલીસનો ઈશારો જોઈ ગાડી ઉભી રાખવાને બદલે પુરઝડપે શાહપુર બ્રીજ તરફ હંકારી મૂકી હતી. પોલીસે ખાનગી વાહનોમાં આ ગાડીનો પીછો કર્યો હતો. શાહપુર બ્રીજ પાસે સવસ રોડ પર ગાડી હંકારી હતી, જ્યાં અંધારાનો લાભ લઈને નરૃ ઉર્ફે કાળીયો નામનો ઇસમ ચાલુ ગાડીએ ઉતરીને નાસી છૂટયો હતો.

 જોકે, પોલીસે કુડાસણ પાસે ગાડીને કોર્ડન કરી ડ્રાઈવર સીટ પર બેઠેલા કરણકુમાર નવીનભાઈ પારઘી રહે. અણસોલ, જિ. અરવલ્લીને ઝડપી લીધો હતો. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૃની બોટલો અને બિયરના ૩૭૬ ટીન મળી આવ્યા હતા. પકડાયેલા આરોપી કરણકુમારની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ જથ્થો ફરાર આરોપી નરૃ ઉર્ફે કાળીયો રહે. બુબી, રાજસ્થાન લાવ્યો હતો અને રતનપુર બોર્ડરથી કરણ તેની સાથે જોડાયો હતો. આ દારૃનો જથ્થો અમદાવાદમાં કોઈને પહોંચાડવાનો હતો.