દૂધ-કઠોળ સહિત જીવનજરૂરિયાતની વસ્તુઓ મોંઘી, આમ જનતા બેહાલ, મર્યાદિત આવક ખર્ચ બમણો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Inflation Impact: દેશમાં મોંઘવારીએ તમામ સીમાઓ વટાવી દીધી છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે રોજીંદુ જીવન જીવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. બજારમાં જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓના ભાવ ધીમે-ધીમે આસમાને પહોંચી રહ્યા છે. એક તરફ સામાન્ય પરિવારોની આવક મર્યાદિત અને નિર્ધારિત છે, તો બીજી તરફ દૈનિક ખર્ચ બમણો થઈ ગયો છે. આ વધતી આર્થિક ખેંચતાણને લીધે લોકોની ખરીદશક્તિ નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે અને સામાન્ય તેમજ મધ્યમ વર્ગના પરિવારોની સ્થિતિ કફોડી બની છે.
રસોડાનું માસિક બજેટ ખોરવાયું, તહેવારોમાં આર્થિક ભીંસ વધશે
રોજિંદા વપરાશની વસ્તુઓ સામાન્ય માણસની પહોંચથી બહાર જઈ રહી છે. તુવેર દાળ, મગની દાળ સહિતના તમામ કઠોળ, ચોખા, લોટ અને દૂધ જેવી પાયાની વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. સરકારી આંકડા અનુસાર જ છેલ્લા એક વર્ષમાં દૂધ, કઠોળ અને તેલના ભાવમાં 10 ટકા સુધીનો વધારો નોંધાયો છે.
આટલું ઓછું હોય તેમ, ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી અને લીલા શાકભાજીના ભાવ પણ બેકાબૂ બન્યા છે. મોંઘવારી હવે સાચે જ બેલગામ થતી જાય છે અને તેના પર તંત્ર કે સરકારનો કોઈ કાબૂ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પવિત્ર શ્રાવણ માસથી દેશમાં તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ અને દિવાળી જેવા મોટા તહેવારો એકપછી એક આવી રહ્યા છે, ત્યારે મોંઘવારીના કારણે તહેવારોના રંગમાં ભંગ પડે તેવા એંધાણ છે.
ઈરાન યુદ્ધ, વૈશ્વિક દબાણ અને નબળું ચોમાસું જવાબદાર
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વર્તમાન મોંઘવારી પાછળ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને પરિબળો જવાબદાર છે. ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક બજાર અને સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે, જેના લીધે ઈંધણ અને અન્ય આયાતી ચીજો મોંઘી થઈ છે. બીજી તરફ, ચાલુ વર્ષે નબળા ચોમાસાને કારણે કૃષિ ઉત્પાદનને મોટો ફટકો પડ્યો છે. પાક ઓછો ઊતરવાની આશંકાએ સ્થાનિક બજારોમાં સંગ્રહખોરી અને ભાવવધારો ઝીંકાયો છે. આ તમામ પરિબળોને લીધે મધ્યમ વર્ગ માટે આ વર્ષે ઉત્સવો ઉજવવા એ ભારે આર્થિક બોજ સમાન બની રહેશે અને બેલગામ મોંઘવારી સામે જનતા લાચાર બનીને રાહતની આશા રાખી રહી છે.
છેલ્લા એક વર્ષમાં ખાદ્યપદાર્થોના ભાવમાં થયેલો વધારો (જુલાઈ 2025થી જુલાઈ 2026)
છેલ્લા એક વર્ષના સરકારી આંકડા પર નજર કરીએ તો ખાદ્યપદાર્થોમાં મોટો ભાવવધારો જોવા મળ્યો છે:
ચીજવસ્તુનું નામ | 29,જુલાઈ (2025) | 29,જુલાઈ (2026) | કેટલા ટકા ભાવવધારો |
તુવરદાળ | રૂ. 119.50 | રૂ. 123.37 | 3.24 ટકા |
અડદદાળ | રૂ. 114.94 | રૂ. 121.29 | 5.52 ટકા |
મગદાળ | રૂ. 110.73 | રૂ. 111.77 | 0.94 ટકા |
મસુરદાળ | રૂ. 88.76 | રૂ. 90.35 | 1.79 ટકા |
ચોખા | રૂ. 42.90 | રૂ. 44.80 | 4.43 ટકા |
લોટ | રૂ. 36.79 | રૂ. 37.25 | 1.25 ટકા |
દૂધ | રૂ. 59.11 | રૂ. 60.81 | 2.88 ટકા |
સિંગતેલ | રૂ. 188.81 | રૂ. 206.00 | 9.10 ટકા |
સનફ્લાવર | રૂ. 160.51 | રૂ. 189.37 | 17.98 ટકા |
ડુંગળી | રૂ. 28.24 | રૂ. 35.07 | 24.18 ટકા |









