Gujarat

ગુજરાતમાં 85,000થી વધુ યુનિટ લોહી એળે ગયું, હજારો રક્તદાતાઓનું પુણ્ય તંત્રની બેદરકારીમાં હોમાયું

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં બ્લડ બેંકોની બેદરકારીને કારણે 85,000 યુનિટથી વધુ લોહીનો બગાડ થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ, 2025માં 11,86,978 યુનિટ રક્ત એકત્ર થયું હતું. જેમાંથી 85,000થી વધુ યુનિટ્સ ચેપગ્રસ્ત હોવા કે સમયમર્યાદા પૂરી થવાને કારણે નિકાલ કરાયા. આ આંકડો તંત્રના નબળા સંકલન અને વ્યવસ્થાપનનો પુરાવો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 85,000થી વધુ યુનિટ લોહી એળે ગયું, હજારો રક્તદાતાઓનું પુણ્ય તંત્રની બેદરકારીમાં હોમાયું

Gujarat Blood Wastage: એક તરફ અકસ્માત કે ગંભીર બીમારીઓ સામે જિંદગી અને મરણ વચ્ચે ઝોલાં ખાતા દર્દીઓ માટે લોહીનું એક-એક ટીપું અમૂલ્ય સાબિત થાય છે. પોતાના સ્વજનનો જીવ બચાવવા માટે લોકો લોહીની વ્યવસ્થા કરવા દિવસ-રાત એક કરી નાખે છે. આવી કપરી સ્થિતિમાં જાગૃત નાગરિકો રક્તદાન કરીને 'મહાદાન'નું પુણ્ય કમાય છે. પરંતુ, ગુજરાતમાંથી સામે આવેલા એક ચોંકાવનારા આંકડાએ રક્તદાતાઓને હચમચાવી મૂક્યા છે. રાજ્યની બ્લડ બેંકોની ઘોર બેદરકારી અને નબળા વ્યવસ્થાપનને કારણે દર્દીઓનો જીવ બચાવી શકે તેવું 85,000 યુનિટથી વધુ લોહીનો નિકાલ કરવો પડ્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો ચોંકાવનારો રિપોર્ટ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2025 દરમિયાન ગુજરાતની વિવિધ બ્લડ બેંકો દ્વારા કુલ 11,86,978 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરો અને સેવાભાવી સંસ્થાઓના અથાક પ્રયાસોથી આટલો મોટો જથ્થો ભેગો થયો હતો. પરંતુ કમનસીબી એ છે કે, તેમાંથી 85,000થી વધુ યુનિટ લોહી દર્દીઓની નસો સુધી પહોંચવાને બદલે કચરામાં ગયું હતું. આ આંકડો માત્ર સંખ્યા નથી, પરંતુ તંત્રની આયોજન વગરની નીતિઓનો પુરાવો છે.

રક્તનો બગાડ થવા પાછળના મુખ્ય બે ગંભીર કારણો

અહેવાલ મુજબ, મોટા પાયે રક્તનો બગાડ થવા પાછળ મુખ્યત્વે બે ગંભીર કારણો જવાબદાર છે. પ્રથમ કારણ એ છે કે, રક્તદાન કરનારા કેટલાક લોકો અજાણતા જ એચઆઇવી, હેપેટાઇટીસ-બી, હેપેટાઇટીસ-સી, સિફિલિસ કે મલેરિયા જેવી જીવલેણ બીમારીઓથી પીડાતા હોય છે. યોગ્ય પ્રી-સ્ક્રીનિંગ ન થવાને કારણે આવા સંક્રમિત લોકો પણ રક્તદાન કરી બેસે છે. બાદમાં ટેસ્ટિંગ દરમિયાન ચેપ માલૂમ પડતાં દર્દીઓની સુરક્ષા માટે આ બ્લડ યુનિટ્સનો ફરજિયાત નિકાલ કરવો પડે છે.

બીજું કારણ સમયમર્યાદાની અવધિ પૂરી થવી (એક્સપાયરી ડેટ) છે, કારણ કે લોહી સંગ્રહિત કરવાની એક નિશ્ચિત સમયમર્યાદા હોય છે. બ્લડ બેંકો વચ્ચે પરસ્પર સંકલન ન હોવાને કારણે જ્યાં લોહીની અછત હોય ત્યાં જથ્થો પહોંચતો નથી અને જ્યાં જરૂર ન હોય ત્યાં લોહી પડ્યું-પડ્યું એક્સપાયર થઈ જાય છે.

શા માટે આટલા મોટા પ્રમાણમાં લોહીનો નિકાલ કરવો પડ્યો?

રક્તનો નિકાલ કરવા પાછળ અન્ય પણ કેટલાંક ટેકનિકલ અને વ્યવસ્થાપકીય કારણો રહેલા છે. એચઆઇવી, હેપેટાઇટીસ-સી, સિફિલિસ કે મલેરિયા પોઝિટિવ હોય તેવા લોકો દ્વારા રક્તદાન થઈ જતાં આ સંક્રમિત બ્લડ યુનિટ્સનો નિકાલ કરવો ફરજિયાત બને છે. આ ઉપરાંત બ્લડ યુનિટની વાપરવાની સમયમર્યાદા વીતી ગઈ હોય (35થી 42 દિવસ) અથવા તો નિયત માત્રા કરતાં ઓછું લોહી એકત્રિત થયું હોય ત્યારે પણ તેનો નિકાલ કરવો પડે છે.

સેન્ટ્રીફ્યુગેશન દરમિયાન અથવા હેન્ડલિંગમાં બ્લડ બેગ લીક થવી, લોહીમાં ગઠ્ઠા જામી જવા, બેક્ટેરિયલ ઇન્ફેક્શન દેખાવું અથવા હિમોલિસિસ થવું પણ બગાડ માટે જવાબદાર છે. આ સિવાય જો લોહી નિયત તાપમાન બહાર રહ્યું હોય અથવા વોર્ડમાંથી 30 મિનિટ કરતાં વધુ સમય બહાર રહ્યા પછી પરત આવ્યું હોય, તો સુરક્ષાના કારણોસર તેનો ઉપયોગ કરી શકાતો નથી અને નિકાલ કરવો પડે છે.