Gujarat

LIVE : મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: સુરત, ભરૂચ અને વલસાડમાં આભ ફાટ્યું; ઔરંગા નદી બે કાંઠે વહેતાં રેડ એલર્ટ જાહેર, GPSC-TAT પરીક્ષાઓ મોકૂફ

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અમદાવાદના પૂર્વ-પશ્ચિમ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે નવસારીમાં કરંટ લાગવાથી 3 લોકોના મોત થયા. હવામાન વિભાગે 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેથી તંત્ર એલર્ટ મોડ પર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

LIVE : મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: સુરત, ભરૂચ અને વલસાડમાં આભ ફાટ્યું; ઔરંગા નદી બે કાંઠે વહેતાં રેડ એલર્ટ જાહેર, GPSC-TAT પરીક્ષાઓ મોકૂફ

Gujarat Rain : અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અચાનક શરૂ થયેલા મુસળધાર વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો તેમજ રાહદારી ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અમદાવાદના પૂર્વ તેમજ પશ્ચિમના અનેક વિસ્તારો જેવા કે અમરાઈવાડી, રામોલ, વટવા, જુહાપુરા, સરખેજ, ગોતા, ચાંદલોડિયા, નરોડા અને બાપુનગરમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદી માહોલ જામ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાવા લાગ્યા છે અને વાહનવ્યવહાર પર પણ તેની અસર જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે અમદાવાદમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે અને નાગરિકોને પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

હવામાન વિભાગની ચેતવણી: 9 જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આગામી કલાકો માટે અત્યંત ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા તમામ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે.

ઉમરપાડામાં સૌથી વધુ 8 ઇંચ આકાશી આફત દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં માત્ર થોડા જ સમયગાળામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ નોંધાયો છે. મુસળધાર વરસાદના કારણે ઉમરપાડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે.

નવસારીમાં કરંટ લાગતાં દુઃખદ ઘટના

વરસાદી આફત વચ્ચે નવસારીમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે પાણી ભરાયેલા વિસ્તારમાં કરંટ ફેલાતાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઘટના અંગે જાણ થતાં જ સ્થાનીક તંત્ર અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

Live Updates
31 Jul 2026 | 02:11 PM

દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ: સુરતના અંબિકામાં 11.46 ઈંચ પાણી ખાબક્યું

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની આ આફતરૂપી બેટિંગ વચ્ચે સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં માત્ર 12 કલાકમાં 11.46 ઈંચ (291 mm) મુશળધાર વરસાદ વરસતા સમગ્ર પંથક જળબંબાકાર થયો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, ભરૂચના નેત્રંગમાં 11.02 ઈંચ અને સુરતના ઉમરપાડામાં 10.00 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માંગરોળ, વાંસદા અને ખેડાના વાસો તાલુકામાં પણ 9 ઈંચથી વધુ ભારે વરસાદ પડ્યો છે. સાર્વત્રિક ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતની સ્થાનિક નદી-નાળા છલકાતાં વહીવટી તંત્રે SDRFની ટીમોને એલર્ટ રાખી નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવાની એડવાઈઝરી જારી કરી છે.

31 Jul 2026 | 02:11 PM

વલસાડમાં અતિભારે વરસાદથી રેડ એલર્ટ: ઔરંગા નદી બે કાંઠે, 800થી વધુ લોકોનું સ્થળાંતર

વલસાડ જિલ્લામાં પડી રહેલા મુશળધાર વરસાદને પગલે તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ઔરંગા નદીના જળસ્તરમાં ભયજનક વધારો થતાં ભાગડાખુર્દ, લીલાપોર અને કાશ્મીર નગર જેવા નીચાણવાળા વિસ્તારોમાંથી 800થી વધુ લોકોને આશ્રયસ્થાનોમાં ખસેડાયા છે. છેલ્લા 12 કલાકમાં ધરમપુરમાં સૌથી વધુ 198 મિ.મી. અને વલસાડમાં 121 મિ.મી. વરસાદ નોંધાયો છે. જળબંબાકારની સ્થિતિને લીધે 123 રસ્તાઓ બંધ કરી દેવાયા છે. કલેક્ટરે લોકોને અતિ આવશ્યક કામ સિવાય બહાર ન નીકળવા અને નદી-નાળા નજીક ન જવા અપીલ કરી છે.

31 Jul 2026 | 02:10 PM

સુખી ડેમના ગેટ ખોલાયા: નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

છોટાઉદેપુરના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સુખી જળાશય ડેમમાં પાણીની આવક વધતાં જળસપાટી 146.48 મીટરે પહોંચી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ડેમનો ગેટ નંબર 5 ને 30 સે.મી. ખોલીને નદીમાં આશરે 1000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડાવાના પગલે વહીવટી તંત્રે નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા, પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા અને નદી કિનારે અવરજવર ન કરવાની ખાસ અપીલ કરી છે. 

31 Jul 2026 | 12:46 PM

ડાંગ : મહાલની એકલવ્ય શાળાના 311 વિદ્યાર્થીઓનું સુરક્ષિત સ્થળાંતર

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક અને સુબીર તાલુકામાં પડેલા મુશળધાર વરસાદના કારણે અંતરિયાળ ગામ મહાલ ખાતે આવેલી 'એકલવ્ય મોડેલ સ્કૂલ'ના પ્રાંગણમાં પાણી ભરાઈ ગયાં હતાં. હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્રે અગમચેતીના પગલારૂપે શાળાના તમામ 311 વિદ્યાર્થીઓને તાત્કાલિક નજીકની માધ્યમિક શાળામાં સુરક્ષિત રીતે ખસેડ્યા છે. મામલતદાર, પોલીસ ટીમ, શિક્ષકો અને સ્થાનિક ગ્રામજનોના સંયુક્ત સહયોગથી આ રેસ્ક્યૂ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને સ્થળાંતરિત વિદ્યાર્થીઓ માટે રહેવા તથા જમવાની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને જોતાં જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે સમગ્ર પરિસ્થિતિ પર સીધી નજર રાખી છે અને તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કડક સૂચના આપી દીધી છે.

ડાંગ : મહાલની એકલવ્ય શાળાના 311 વિદ્યાર્થીઓનું સુરક્ષિત સ્થળાંતર
ડાંગ : મહાલની એકલવ્ય શાળાના 311 વિદ્યાર્થીઓનું સુરક્ષિત સ્થળાંતર
ડાંગ : મહાલની એકલવ્ય શાળાના 311 વિદ્યાર્થીઓનું સુરક્ષિત સ્થળાંતર
31 Jul 2026 | 12:37 PM

બોડેલીમાં ભારે વરસાદથી જળબંબાકાર: ફસાયેલા 27 લોકોનું NDRF દ્વારા રેસ્ક્યૂ, નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર શરૂ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને દિવાન ફળિયા અને રજાનગર જેવા નીચાણવાળા વિસ્તારોના અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ SDM, મામલતદાર, બોડેલી નગરપાલિકા અને NDRF ની ટીમે સંયુક્ત રીતે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. NDRF ની ટીમે પાણીમાં ફસાયેલા તમામ 27 લોકોને સલામત રીતે રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા છે અને કોઈ જાનહાનિ ન થાય તે માટે અન્ય નીચાણવાળા વિસ્તારોમાંથી પણ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે. હાલ બોડેલીમાં તંત્ર અને NDRF ની ટીમો સતત એલર્ટ મોડ પર છે, જ્યારે વહીવટી તંત્રે લોકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને આપાતકાલીન સૂચનાઓનું ચુસ્ત પાલન કરવા અપીલ કરી છે.

31 Jul 2026 | 12:26 PM

પંચમહાલ : ગોધરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આખરે મેઘરાજા મહેરબાન થયા છે. વહેલી સવારથી જ અસહ્ય ગરમી, ભારે ઉકળાટ અને બફારાના કારણે શહેરીજનો ભારે પરેશાની ભોગવી રહ્યા હતા, પરંતુ બપોર બાદ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગોધરા શહેર અને ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધમાકેદાર વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી, જેનાથી લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી હતી. લાંબા વિરામ બાદ સર્વત્ર મેઘમહેર થતાં અને વરસાદી માહોલ જામતાં પંથકના ખેડૂતોમાં પણ ભારે ખુશીની લહેર ફરી વળી છે.

પંચમહાલ : ગોધરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
31 Jul 2026 | 12:16 PM

ભરૂચના નેત્રંગમાં આભ ફાટ્યું: 10 કલાકમાં 10.55 ઈંચ ખાબક્યો, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ

રાજ્યમાં આજે મેઘરાજાએ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે તાંડવ મચાવ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીના માત્ર 10 કલાકમાં ભરૂચ જિલ્લાના નેત્રંગમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. નેત્રંગમાં દિવસ દરમિયાન કુલ 10.55 ઈંચ (268 મીમી) વરસાદ નોંધાયો છે, જેમાં બપોરે 2 થી 4 વાગ્યાના માત્ર બે જ કલાકમાં 4.45 ઈંચ (113 મીમી) તીવ્ર વરસાદ તૂટી પડ્યો હતો. આ સિવાય નેત્રંગમાં સવારે 6 થી 8 માં 21 મીમી, 8 થી 10 માં 70 મીમી, 10 થી 12 માં 24 મીમી અને બપોરે 12 થી 2 દરમિયાન 40 મીમી વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ અને મધ્ય ગુજરાતના અન્ય તાલુકાઓમાં પણ તોફાની બેટિંગ જોવા મળી છે. સુરતના ઉમરપાડામાં સવારે 8 થી 12 વાગ્યાના 4 કલાકમાં જ પૂર જેવી સ્થિતિ સાથે કુલ 9.72 ઈંચ (247 મીમી) અને અંબિકા/બારડોલી વિસ્તારમાં બપોરે 12 થી 4 વચ્ચે 200 મીમીથી વધુ વરસાદ સાથે કુલ 9.69 ઈંચ (246 મીમી) વરસાદ ખાબક્યો છે. ખેડા જિલ્લાના વાસોમાં સવારે 8 થી 10 વચ્ચે 124 મીમી સહિત કુલ 9.53 ઈંચ (242 મીમી) તથા નડિયાદમાં 7.91 ઈંચ (201 મીમી) વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ડાંગના સુબીરમાં 8.23 ઈંચ (209 મીમી) અને નર્મદાના સાગબારા તથા ગરૂડેશ્વરમાં સવારના પ્રથમ બે કલાકમાં જ 118-118 મીમી તીવ્ર વરસાદ પડ્યો હતો.

આણંદ, નવસારી, તાપી, નર્મદા અને વલસાડ જિલ્લા સહિત રાજ્યના 150થી વધુ તાલુકાઓમાં 4 થી 7 ઈંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે. સતત ખાબકેલા મુસળધાર વરસાદને કારણે સ્થાનિક નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે, નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને તંત્ર દ્વારા અસરગ્રસ્ત તમામ વિસ્તારોમાં સ્થાનિક રહીશોને સતર્ક રહેવા ખાસ સૂચના આપવામાં આવી છે.

ભરૂચના નેત્રંગમાં આભ ફાટ્યું: 10 કલાકમાં 10.55 ઈંચ ખાબક્યો, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ
ભરૂચના નેત્રંગમાં આભ ફાટ્યું: 10 કલાકમાં 10.55 ઈંચ ખાબક્યો, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ
ભરૂચના નેત્રંગમાં આભ ફાટ્યું: 10 કલાકમાં 10.55 ઈંચ ખાબક્યો, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ
ભરૂચના નેત્રંગમાં આભ ફાટ્યું: 10 કલાકમાં 10.55 ઈંચ ખાબક્યો, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ
31 Jul 2026 | 11:37 AM

ભારે વરસાદની આગાહીના પગલે GPSCની 1 ઓગસ્ટની પરીક્ષાઓ મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે

રાજ્યમાં સર્જાયેલી સાર્વત્રિક વરસાદી પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ઉમેદવારોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત પશુ ચિકિત્સા અધિકારી, નર્સિંગ ઓફિસર, મદદનીશ ઈજનેર તેમજ ગુજરાત શિક્ષણ સેવા સહિત કુલ 34 જેટલી વિવિધ વર્ગ-1 અને વર્ગ-2 ની ભરતીઓ માટે તા. 1 ઓગસ્ટ 2026, શનિવારના રોજ યોજાનારી પ્રાથમિક કસોટી (સામાન્ય અભ્યાસ) હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. GPSC ના નાયબ સચિવ દ્વારા ગાંધીનગરથી જારી કરાયેલી અધિકૃત સૂચના મુજબ, આ તમામ 34 જાહેરાતોની મોકૂફ રખાયેલી પ્રાથમિક પરીક્ષા હવે નવી તારીખ એટલે કે તા. 9 ઓગસ્ટ 2026, રવિવારના રોજ સવારે 11:00 થી 12:00 કલાક દરમિયાન યોજવામાં આવશે, જેની સંબંધિત તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવા જણાવાયું છે.

ભારે વરસાદની આગાહીના પગલે GPSCની 1 ઓગસ્ટની પરીક્ષાઓ મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
31 Jul 2026 | 11:21 AM

સરસપુર વોરા રોઝા ચાર રસ્તા પાસે ગંભીર ટ્રાફિક જામ

સરસપુરના વોરા રોઝા ચાર રસ્તા નજીક વરસાદી માહોલ વચ્ચે ભારે ટ્રાફિક જામની વિકટ સ્થિતિ સર્જાઈ હતી. આ ટ્રાફિકના ચક્કાજામમાં એક ઈમરજન્સી એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતાં ભારે દોડધામ મચી ગઈ હતી.

31 Jul 2026 | 11:20 AM

SG હાઈવે પર વાહનોની લાંબી કતારો, ટ્રાફિક જામની સ્થિતિ

શહેરમાં વરસાદનું આગમન થતાં જ શહેરના મુખ્ય ધમધમતા એસ.જી. હાઈવે પર વાહનચાલકો અટવાયા છે. ધોધમાર વરસાદ શરુ થવાની સાથે જ વિઝિબિલિટી ઘટી જતાં અને રસ્તાઓ પર પાણી વહેવા લાગતાં વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી. જેના કારણે હાઈવે પર જોતજોતામાં મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.

SG હાઈવે પર વાહનોની લાંબી કતારો, ટ્રાફિક જામની સ્થિતિ
31 Jul 2026 | 11:20 AM

શાહીબાગ માર્ગ પર વાહનવ્યવહાર ધીમો પડ્યો

શાહીબાગ વિસ્તારમાં આવેલા એફ.એસ.એલ. ચાર રસ્તા પાસે મુશળધાર વરસાદને કારણે માર્ગો પર ભારે પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ જળમગ્ન થઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના ભરાવાના પરિણામે વાહનોની ગતિ થંભી ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક અત્યંત ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે.

શાહીબાગ માર્ગ પર વાહનવ્યવહાર ધીમો પડ્યો
31 Jul 2026 | 11:11 AM

નર્મદા જિલ્લામાં આકાશી આફત: તિલકવાડા પાસે નર્મદા નદી ગાંડીતૂર બની, રૌદ્ર સ્વરૂપનો વીડિયો વાયરલ

ઉપરવાસમાં ભારે વરસાદ અને ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે નર્મદા જિલ્લામાં આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને તિલકવાડા નજીકથી પસાર થતી નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. બે કાંઠે વહેતી નર્મદા નદી ગાંડીતૂર બનતાં નદીના પાણી ભયાનક વેગથી આગળ વધી રહ્યા છે. આ ભયાનક અને અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ થતાં સોશિયલ મીડિયા પર તેનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. નદીના વધતા જળસ્તરને પગલે તંત્ર દ્વારા કાંઠાના નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

31 Jul 2026 | 11:10 AM

નસવાડીમાં છાત્રાલય અને સ્ટેટ PWD માર્ગ પર પાણી ભરાતાં લોકો અને વિદ્યાર્થીઓ પરેશાન

છોટાઉદેપુરના નસવાડી ખાતે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત કુમાર અને કન્યા છાત્રાલયના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ મુસળધાર વરસાદના કારણે ગંભીર રીતે પાણી ભરાઈ ગયા છે, જેના લીધે વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ વિરામ લીધા બાદ પણ મુખ્ય માર્ગો પરથી પાણી ઓસરતા નથી, બીજી તરફ સ્ટેટ PWD ના રેસ્ટ હાઉસ તરફ જતા રસ્તા પર પણ જળબંબાકારની સ્થિતિ સર્જાતાં વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા છે. ચોમાસામાં દર વર્ષે સર્જાતી આ વિકટ સમસ્યા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ કાયમી નિકાલ ન કરાતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હાલ લોકોને જીવના જોખમે ભરાયેલા પાણીમાંથી પસાર થવાની મજબૂરી ઊભી થઈ છે.

નસવાડીમાં છાત્રાલય અને સ્ટેટ PWD માર્ગ પર પાણી ભરાતાં લોકો અને વિદ્યાર્થીઓ પરેશાન
નસવાડીમાં છાત્રાલય અને સ્ટેટ PWD માર્ગ પર પાણી ભરાતાં લોકો અને વિદ્યાર્થીઓ પરેશાન
31 Jul 2026 | 11:04 AM

પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

અમદાવાદના બોપાલ-ઘુમા વિસ્તારમાં આવેલા CHC (સામાજિક સ્વાસ્થ્ય કેન્દ્ર) અને BRTS રોડ પર વરસાદી પાણી ભરાયા બાદ તંત્ર દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી છે. બોપાલ-ઘુમા BRTS માર્ગ પર એકત્ર થયેલા પાણીના ઝડપી અને યોગ્ય નિકાલ માટે હાલ ડ્રેનેજ તથા વોટર ડીસ્પોઝલની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. 

પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
31 Jul 2026 | 10:51 AM

અસારવા સિવિલ હોસ્પિટલ પાસે પાણી ભરાયા

અમદાવાદની સૌથી મોટી અસારવા સિવિલ હોસ્પિટલ પાસે માત્ર થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે.

અસારવા સિવિલ હોસ્પિટલ પાસે પાણી ભરાયા
31 Jul 2026 | 10:26 AM

ભારે વરસાદની આગાહીના પગલે TAT-HS મુખ્ય પરીક્ષા મુલતવી, હવે 8 ઓગસ્ટે યોજાશે

રાજ્યમાં સર્જાયેલી સાર્વત્રિક વરસાદી માહોલ અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અતિભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી 2 ઓગસ્ટ 2026ના રોજ યોજાનારી "શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) – 2026" (ગુજરાતી માધ્યમ)ની મુખ્ય પરીક્ષા હવે પાછી ઠેલવીને 8 ઓગસ્ટ 2026, શનિવારના રોજ આયોજિત કરવાનો નિર્ણય કરાયો છે. પરીક્ષાર્થીઓની મુશ્કેલીઓ અને સરકારશ્રીના માર્ગદર્શનને આધારે લેવાયેલા આ નિર્ણય બાદ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પરીક્ષા અગાઉથી નક્કી કરાયેલા સમય અને કેન્દ્રો મુજબ જ લેવાશે તથા ઉમેદવારોએ નવી હોલટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે નહીં, જોકે વધુ વિગતો માટે ઉમેદવારોને બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.sebexam.org સતત જોતા રહેવા વિનંતી કરવામાં આવી છે.

ભારે વરસાદની આગાહીના પગલે TAT-HS મુખ્ય પરીક્ષા મુલતવી, હવે 8 ઓગસ્ટે યોજાશે
31 Jul 2026 | 10:17 AM

અમદાવાદ : સામાન્ય વરસાદમાં પાણી ભરાયા

અમદાવાદમાં એસ.જી. હાઈવે પર કર્ણાવતી ક્લબ પાસે જંગી પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર પાણી ફરી વળવાના કારણે વાહનોની ઝડપ થંભી ગઈ છે અને સર્વિસ રોડ તેમજ મુખ્ય માર્ગ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. થોડા મિનિટ સુધી પડેલા મુશળધાર વરસાદ બાદ માર્ગો પર પાણી ભરાઈ જતાં નોકરી-ધંધે નીકળેલા વાહનચાલકો અને રાહદારી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

અમદાવાદ : સામાન્ય વરસાદમાં પાણી ભરાયા
31 Jul 2026 | 10:13 AM

અંકલેશ્વર-હાંસોટ રોડ પર આમલા ખાડીના પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ઠપ્પ

ભારે વરસાદના કારણે અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલી કડકીયા કોલેજ નજીક આમલા ખાડીના ડાયવર્ઝન પર પાણીનો પ્રવાહ ચિંતાજનક રીતે વધી જતાં સલામતીના ભાગરૂપે વાહનવ્યવહાર સંપૂર્ણપણે સ્થગિત કરી દેવામાં આવ્યો છે. ખાડીના પાણી રસ્તા પર ફરી વળતાં વાહનોની અવરજવર જોખમી બનતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તુરંત આ નિર્ણય લેવાયો છે. મુસાફરો અને વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને સુરક્ષિત રીતે પ્રવાસ કરવા ખાસ અપીલ કરવામાં આવી છે.

અંકલેશ્વર-હાંસોટ રોડ પર આમલા ખાડીના પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ઠપ્પ
31 Jul 2026 | 10:11 AM

સુરત : વીઆઇપી રોડ જળબંબાકાર, તંત્રની ચેતવણી વચ્ચે સુરતીઓ પાણી જોવા ઉમટ્યા

સુરત શહેરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં જ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેમાં વેસુ અને વીઆઈપી રોડ જેવા અગ્રણી વિસ્તારોમાં રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહેતા થતાં નિકાલ માટે ગટરોના ઢાંકણા પણ ખોલવાની ફરજ પડી હતી. રાજ્ય સરકાર અને હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હોવા છતાં, મસ્તીભર્યા સ્વભાવ માટે જાણીતા સુરતીઓ મુસળધાર વરસાદની મજા માણવા અને ભરાયેલા પાણી જોવા માટે મોટી સંખ્યામાં રસ્તાઓ પર નીકળી પડ્યા હતા. આ સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેર અને ટ્રાફિક પોલીસે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, જોખમી જગ્યાઓએ ન જતાં સાવચેતી રાખવા અને પોલીસની ચેતવણીઓને ગંભીરતાથી લેવા કડક અપીલ કરી છે.

સુરત : વીઆઇપી રોડ જળબંબાકાર, તંત્રની ચેતવણી વચ્ચે સુરતીઓ પાણી જોવા ઉમટ્યા
31 Jul 2026 | 10:05 AM

નવસારી : ઉભરાટ, દાંડી અને ઓંજલ બીચ પ્રવાસીઓ માટે બંધ

નવસારી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આપવામાં આવેલી આગાહીને પગલે સુરક્ષાના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત ઉભરાટ બીચ, દાંડી બીચ અને ઓંજલનું ચાંગલી ફળીયા બીચ આગામી સૂચના સુધી જાહેર જનતા તેમજ પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર ચોવીસે કલાક સતત નજર રાખવામાં આવી રહી છે. સંભવિત આફત અને દરિયાઈ જોખમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નાગરિકોને સરકારી સૂચનાઓનું કડકપણે પાલન કરવા, સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને દરિયાકિનારે જવાનું કોઈપણ પ્રકારનું જોખમ ન લેવા ખાસ અપીલ કરવામાં આવી છે.

નવસારી : ઉભરાટ, દાંડી અને ઓંજલ બીચ પ્રવાસીઓ માટે બંધ
31 Jul 2026 | 10:04 AM

સુરતમાં અતિભારે વરસાદની આગાહી : કારખાના બંધ રાખવા હુકમ, અધિકારીઓની રજાઓ રદ

હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં અતિભારે વરસાદની આપેલી મુસળધાર આગાહી અને મહેસૂલ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠકના નિર્દેશોને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા કલેક્ટરશ્રી તેજસ પરમારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાહત કમિશનરશ્રી અને વહીવટી તંત્ર દ્વારા સંભવિત આફત સામે પૂર્વતૈયારી તેમજ સલામતીના ભાગરૂપે 31 જુલાઈ 2026 અને 1 ઓગસ્ટ 2026ના રોજ સુરતના તમામ કારખાનાઓ બંધ રાખવાનો સત્તાવાર હુકમ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત જિલ્લાના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે અને તેમને પોતાના હેડક્વાર્ટર ખાતે હાજર રહી રાહત-બચાવની કામગીરી સુનિશ્ચિત કરવા આદેશ આપવામાં આવ્યો છે.

31 Jul 2026 | 09:56 AM

અમદાવાદમાં મેઘરાજાનો વિરામ, મધ્ય-દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર

અમદાવાદમાં બપોરે પડેલા મુશળધાર વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ રાજ્યના મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા બાદ હાલ વરસાદનું જોર ઘટતાં રાહત અનુભવાઈ છે, ત્યારે બીજી તરફ મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આભ ફાટવા જેવી સ્થિતિ વચ્ચે નીચાણવાળા વિસ્તારો, માર્ગો અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નદી-નાળાઓ ઉભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને તંત્ર દ્વારા પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

31 Jul 2026 | 09:41 AM

છોટાઉદેપુર : 20થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા, 9 પશુઓના મોત

છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં આવેલા હરિપુરા વદેશિયા ગામે વહેલી સવારે અચાનક કોતરોના પાણી ફરી વળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પૂર જેવા કોતરો પાણી 20થી વધુ ઘરોમાંથી પસાર થતાં ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો હતો, જેના કારણે ભયભીત થયેલા લોકો ખીલે બાંધેલા પોતાના મૂંગા પશુઓને છોડાવવાની તક પણ મેળવી શક્યા ન હતા. આ કુદરતી આફતમાં 9 જેટલા મૂંગા પશુઓના કરૂણ મોત નિપજ્યા છે. ઘટના બાદ હરિપુરા વદેશિયાના સ્થાનિક ખેડૂત દિનેશભાઈ અને અન્ય ગ્રામજનોએ સરકાર પાસે નુકસાનીનો સર્વે કરાવી આર્થિક સહાય પૂરી પાડવાની ગુહાર લગાવી છે.

31 Jul 2026 | 09:39 AM

અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અમદાવાદના પૂર્વ તેમજ પશ્ચિમના અનેક વિસ્તારો જેવા કે અમરાઈવાડી, રામોલ, વટવા, જુહાપુરા, સરખેજ, ગોતા, ચાંદલોડિયા, નરોડા અને બાપુનગરમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદી માહોલ જામ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાવા લાગ્યા છે અને વાહનવ્યવહાર પર પણ તેની અસર જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે અમદાવાદમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે અને નાગરિકોને પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ