Get The App

વડોદરા: પાદરાના રહેણાંક વિસ્તારમાં 9 ફૂટનો વિશાળ મગર ઘૂસી આવતા ફફડાટ, ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા: પાદરાના રહેણાંક વિસ્તારમાં 9 ફૂટનો વિશાળ મગર ઘૂસી આવતા ફફડાટ, ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું 1 - image

Crocodile Rescue In Vadodara: વડોદરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના મગરો હવે રહેણાંક વિસ્તારોમાં પડાવ નાખી રહ્યા છે. પાદરા તાલુકામાં છેલ્લા ચાર દિવસમાં મગરો દેખાવાની ત્રીજી ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. ગત મોડી રાત્રે પાદરાના ગવાસદ ગામે એક વિશાળ મગર આવી ચઢતા દોડધામ મચી ગઈ હતી.

નવીનગરીમાં 9 ફૂટના મગરે દીધી દસ્તક

પાદરાના ગવાસદ ગામે આવેલી નવીનગરીમાં ગત રાત્રે આશરે 9 ફૂટ લાંબો મગર અચાનક બહાર નીકળી આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મગરને જોઈને રહીશોએ તાત્કાલિક જીવદયા કાર્યકરોને જાણ કરી હતી. જીવદયા કાર્યકરોએ ભારે જહેમત બાદ મગરનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું અને તેને વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

ચાર દિવસમાં ત્રણ મગરોનું રેસ્ક્યુ

પાદરા પંથકમાં મગરો દેખાવાનો સિલસિલો યથાવત છે,   ચાર દિવસ પહેલા પાદરાના રામેશ્વર તળાવમાંથી 9 ફૂટનો મગર રહેણાંક વિસ્તારમાં આવી ગયો હતો. ગવાસદની ઘટના પહેલા નજીકના સાધી ગામે પણ 7 ફૂટનો મગર દેખાતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ગઈકાલે રાત્રે ફરી 9 ફૂટનો મગર નવીનગરીમાંથી ઝડપાયો હતો.

નદી-તળાવના કિનારે રહેતા લોકો માટે ચેતવણી

ચોમાસા કે પૂર જેવી સ્થિતિ ન હોવા છતાં મગરો સતત તળાવમાંથી બહાર નીકળી ગામમાં ઘૂસી રહ્યા છે, જે ખેત મજૂરો અને પશુપાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે. વન વિભાગ દ્વારા નદી કે તળાવ કિનારે રહેતા લોકોને રાત્રિના સમયે સતર્ક રહેવા અને મગર દેખાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે.