SURAT: કોરોનાના લાંબા વિરામ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત 'સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો 2026' ઉત્સાહ સાથે ગઈકાલે રવિવારે શરૂ તો થયો, પરંતુ તેની શરૂઆત જ વિવાદો અને અવ્યવસ્થાના ગ્રહણ સાથે થઈ છે. એક તરફ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો અને બીજી તરફ પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો. આ બેવડા મારે પાલિકાના વહીવટ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
ભ્રષ્ટાચારની ગંધ: અંદાજ કરતા 63% વધુ ખર્ચ છતાં 'સુવિધા શૂન્ય'
પુસ્તક મેળાના આયોજન માટે થયેલી ટેન્ડર પ્રક્રિયા અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. મળતી માહિતી મૂજબ પાલિકાના નિર્ધારિત અંદાજ કરતા 63% ઉંચા ભાવે કોન્ટ્રાક્ટ આપવામાં આવતા ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ઉઠી છે. આ આક્ષેપોને ત્યારે સમર્થન મળ્યું જ્યારે કરોડોના ખર્ચ છતાં ઉદ્ઘાટન સમારોહમાં જ પાયાની સુવિધાઓમાં મોટી ખામીઓ બહાર આવી.
VVIP ડોમમાં અસહ્ય ગરમી: નેતાઓ પરસેવે રેબઝેબ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સુરતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી જેવા મહાનુભાવોની હાજરીમાં આયોજિત કાર્યક્રમમાં વ્યવસ્થાપકોની ઘોર બેદરકારી જોવા મળી હતી. જે ડોમમાં મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ વડાપ્રધાનના 'મન કી બાત' કાર્યક્રમ સાંભળી રહ્યા હતા, ત્યાં પંખા કે કુલરની હવા પહોંચતી જ નહોતી. ગરમીને કારણે મહાનુભાવો પરસેવે રેબઝેબ થઈ જતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. અન્ય લોકો માટે રાખવામાં આવેલા પંખા ઉચકીને તાત્કાલિક નેતાઓ પાસે ગોઠવવાની ફરજ પડી હતી.
પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં સુરતની શાખ ખરડાઈ?
સુરત જેવા સ્માર્ટ સિટીમાં જ્યારે રાજ્યના વડા હાજર હોય ત્યારે આવી ગંભીર બેદરકારી અપેક્ષિત નથી. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જો 63% વધુ રકમ ચૂકવવા છતાં પંખા જેવી પ્રાથમિક સુવિધા પણ ન આપી શકાતી હોય, તો આ ટેન્ડર પ્રક્રિયામાં મોટી ગરબડ હોવાની શક્યતા નકારી શકાય નહીં.
શુ આ ટેન્ડર વિવાદ અને અવ્યવસ્થા માટે જવાબદાર કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ સામે પગલાં લેવાશે? કે પછી આ મુદ્દો પણ ફાઈલોમાં દબાઈ જશે? તેવા સવાલો ઉઠી રહ્યા છે.


