Get The App

સીએ ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર વડોદરાના ૬૦ વિદ્યાર્થીઓ સીએ થયા

Updated: Jun 18th, 2026

GS TEAM

Google News
Google News
સીએ ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર વડોદરાના ૬૦ વિદ્યાર્થીઓ સીએ થયા 1 - image

વડોદરાઃ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા દ્વારા મે મહિનામાં લેવાયેલી સીએ ફાઈનલની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે.વડોદરાના લગભગ ૪૦ વિદ્યાર્થીઓને સીએની ડિગ્રી મળી છે.જોકે વડોદરાનો કોઈ વિદ્યાર્થી દેશના ટોપર્સમાં  સ્થાન મેળવી શક્યો નથી.

વડોદરા ચેપ્ટરમાંથી ૬૨૬ વિદ્યાર્થીઓએ સીએ ફાઈનલની પરીક્ષા આપી હતી.જેમાંથી ૯૨ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા વડોદરા ચેપ્ટરનું પરિણામ ૧૪.૭૦ ટકા આવ્યું છે.

સારા સીએ બનવાના ઈરાદાથી મહેનત કરી 

પહેલા જ  પ્રયત્નમાં સીએ ફાઉન્ડેશન, ઈન્ટર અને હવે ફાઈનલ પરીક્ષા ક્લીયર કરી છે.મેં માત્ર પરીક્ષામાં પાસ થવાના ઈરાદાથી નહીં પણ એક સારા સીએ બનવાના ઈરાદાથી તૈયારી કરી હતી અને તેના કારણે જ મને સફળતા મળી છે.સોશ્યલ મીડિયાથી હું દૂર રહ્યો હતો.મારે ઈન્ડાયરેકટ ટેકસ સાથે જોડાયેલી નોકરી કરવી છે.

લક્ષ્મણ ખડકા, ૩૫૦ માર્કસ,વડોદરામાં પ્રથમ

પરીક્ષામાં સફળ થવા સોશ્યલ મીડિયાથી દૂર રહેવું જ પડે

હું પ્રાર્થના કરી રહ્યો હતો અને ત્યારે જ પરિણામ જાહેર થયું હતું.મારુ જ નહીં પણ મારા માતા પિતાનું સપનું પણ આજે પૂરુ થયું છે.પિતા સીએ ફર્મમાં એકાઉન્ટન્ટ છે અને હું પણ ભવિષ્યમાં મારી પોતાની ફર્મ શરુ કરવા માગું છે.રોજના સાત કલાક વાંચન કરતો હતો.સોશ્યલ મીડિયાનો ઉપયોગ તો પરીક્ષાની તૈયારી માટે બંધ કરવો જ પડે.

કિર્તન પ્રજાપતિ, ૩૪૫ માર્કસ, વડોદરામાં બીજો

ઈન્ટર ચાર અને ફાઈનલ પરીક્ષા પહેલા જ પ્રયત્ને પાસ કરી 

મે ચાર પ્રયત્ન બાદ ઈન્ટર પરીક્ષા પાસ કરી હતી અને આ પરિણામે મારી આંખો ખોલી નાંખી હતી.એ પછી મેં ફાઈનલ પરીક્ષા માટે મહેનત વધારી હતી અને રોજના ૧૦ કલાક વાંચવાનું શરુ કર્યું હતું.જેના કારણે ફાઈનલની પરીક્ષા પહેલા જ પ્રયત્ને પાસ કરવામાં સફળતા મળી છે.પિતા સીઆઈએસએફમાંથી નિવૃત્ત થયા છે.

દેવાંગ કર્ણિક, ૩૩૦ માર્ક, વડોદરામાં ત્રીજો

લખવાની પ્રેક્ટિસ કરવી અને કન્સેપ્ટ ક્લીયર રાખવા જરુરી

રોજ સવારે વહેલા ઉઠીને જ વાંચતો હતો.મને લાગે છે કે, હું હજી વધારે મહેનત કરી શક્યો હોત અને વધારે સારુ પરિણામ મેળવી શક્યો હોત. પરિવારનો સપોર્ટ હોવાથી સીએ બની શક્યો છું.મને લાગે છે કે, લખવાની પ્રેક્ટિસ અને કન્સેપ્ટ ક્લીયર રાખવા જરુરી છે.આ વખતે ફાઈનાન્સિયલ મેનેજમેન્ટનું પેપર ઘણું અઘરુ હતું.

ધૈર્ય દોશી, ૩૨૯ માર્કસ, વડોદરામાં ત્રીજો

પિતા સ્કૂલ વાન ચલાવે છે, ઓનલાઈન અભ્યાસ કર્યો

મારા પિતા સ્કૂલ વાન ચલાવે છે.જોકે મારા અભ્યાસ માટે તેમણે ક્યારેય કોઈ તકલીફ પડવા દીધી નથી.પોતાની જરુરિયાતો બાજુ પર રાખીને મારી જરુરિયાતો સંતોષી છે.પરિવારનો મને સપોર્ટ હતો.હું કરજણ રહું છું અને ત્યાંથી ઓનલાઈન અભ્યાસ કર્યો હતો.રોજ ૧૦ થી ૧૨ કલાક વાંચતો હતો.ભવિષ્યમાં પોતાની પ્રેક્ટિસ કરવી છે.

અમાન રંગરેઝ, ૩૨૯ માર્કસ, વડોદરામાં ચોથો

વડોદરાનું પરિણામ

--બંને ગુ્રપની પરીક્ષા આપનારા ૧૯૧ વિદ્યાર્થીઓમાંથી ૨૧ બંને ગુ્રપમાં, ૯ પહેલા ગુ્રપમાં અને ૧૩ બીજા ગુ્રપમાં પાસ

--પહેલા ગુ્રપની પરીક્ષા આપનારા ૨૭૭ વિદ્યાર્થીઓમાંથી ૨૧ વિદ્યાર્થીઓ પાસ

--બીજા ગુ્રપની પરીક્ષા આપનારા ૧૫૮ વિદ્યાર્થીઓમાંથી ૨૮ વિદ્યાર્થીઓ પાસ

--કુલ ૬૨૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને ૯૨ પાસ થયા