Get The App

શાળા સહાયકની નિમણૂકના પત્રને 6 મહિના થયા છતા સ્થિતિ ઠેરની ઠેર

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
શાળા સહાયકની નિમણૂકના પત્રને 6 મહિના થયા છતા સ્થિતિ ઠેરની ઠેર 1 - image

- જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ વહિવટી સ્ટાફની અછત

- ડીડીઓ હસ્તક એજન્સીની નિમણૂક સહિતની કામગીરી કરાઇ હોવા છતાં કરાર આધારીત ભરતી કરવામાં પણ રાહ જોવાય છે

ભાવનગર : પ્રાથમિક શાળાની વહિવટી કામગીરી માટે હાલ મોટાભાગની જગ્યા ખાલી રહી છે. ત્યારે સરળતા માટે નિયામક દ્વારા પરિપત્ર કરી શાળા સહાયક કરાર આધારીત એજન્સી મારફત ભરવાનો આદેશ કરાયો હતો જેને છ માસ થવા છતાં આ પ્રક્રિયા નહી થતા વ્યાપક રોષની લાગણી ફેલાવા પામી છે.

ભાવનગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાની શૈક્ષણિક ગુણવત્તા વધારવા શિક્ષકોની ભરતી તબક્કાવાર હાથ ધરાય છે. પરંતુ વહિવટી કામગીરીની સરળતા માટે કાર્યવાહી થતી ન હોવાની ફરિયાદ લાંબા સમયની રહે છે. નિયામક પ્રાથમિક શાળા કચેરી દ્વારા ૧૯-૭-૨૫ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર કરી કલેક્ટરની માન્ય એજન્સી દ્વારા આઉટ સોર્સથી વહિવટી કામગીરી માટે શાળા સહાયકની કરાર આધારીત ભરતી કરવા જણાવાયું હતું. જ્યારે ત્યારબાદ દરેક કેન્દ્ર વર્તી શાળામાં એક શાળા સહાયક ફાળવવાની બાબત આવી જ્યારે કેન્દ્રવર્તી શાળામાં પણ ૩૦૦ વિદ્યાર્થીની સંખ્યા હોવી જરૂરી બતાવી હતી અને ત્યારબાદ ઓછી સંખ્યાવાળી કેન્દ્રવર્તી શાળા બદલવાની પ્રક્રિયા કાને ધરાઇ છે. હાલ જિલ્લામાં ૧૧૧ કેન્દ્રવર્તી શાળાઓ કાર્યરત છે જે પૈકી ૩૦૦ સંખ્યા ધરાવતી હોય તેવી ૪૯ શાળા છે. જ્યારે બાકીની કેન્દ્રવર્તી શાળામાં નિયત થયેલ ૩૦૦ની સંખ્યા થતી નથી જેથી આ કેન્દ્રવર્તી શાળા બદલવાની કાર્યવાહી કરવી રહી. જો કે, શાળા સહાયકની નિમણૂક અંગેનો પત્ર થયાને છ માસ જેટલો લાંબો સમયગાલો વિતવા છતા વડી કચેરીનો આદેશ માત્ર કાગળ પર રહ્યો હોવાનું સામે આવ્યું છે. જે અંગે હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ શકી નથી. મળતી વિગતો મુજબ આુટ સોર્સથી શાળા સહાયકની ભરતી પ્રક્રિયા ડીડીઓ હસ્તક ચાલે છે અને માત્ર માહિતી મંગાવાઇ રહી છે. પરંતુ નિષ્કર્ષ આવતું નથી. અને ઉમેદવારો નોકરીની રાહ જોઇ બેઠા છે. જ્યારે કેન્દ્રવર્તી બનાવવાનો સમિતિમાં ઠરાવ પણ હજુ અધ્ધરતાલ છે ત્યારે ભરતી ક્યારે થશે ? તેવા સવાલો ઉઠવા પામ્યા છે.

આદેશ થાય છે પણ અમલવારી થતી નથી

સરકારી કચેરી હોય કે શિક્ષણનો પરિપત્ર હોય આદેશ થાય છે પણ અમલવારી થતી ન હોવાની ફરિયાદ દરેક કચેરીમાં જોવા મળે છે. શિક્ષણ વિભાગે શાળા સહાયક એક સપ્તાહમાં ભરવા આદેશ કર્યો પરંતુ છ મહિના વિતવા છતા હજુ કોઇ ઠેકાણા નથી. શાળાના નિયમો, પરીક્ષાના નિયમો, વેકેશનના નિયમો પણ ઘડાયા છે પરંતુ તેની અમલવારી થતી નથી.