Bogus Tribals Certificates: ગુજરાત વિધાનસભામાં અનુસૂચિત જનજાતિ (ST) ના બોગસ પ્રમાણપત્રોનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં મોટી સંખ્યામાં બિન-આદિવાસી વ્યક્તિઓએ ખોટી રીતે આદિવાસી હોવાના પ્રમાણપત્રો મેળવ્યા છે. આ પ્રમાણપત્રોના આધારે તેઓ શિક્ષણ, સરકારી નોકરીઓ અને રાજકીય ક્ષેત્રે ખોટા લાભો લઈ રહ્યા છે, જે અટકાવવા જરૂરી છે.
56,000 બોગસ પ્રમાણપત્રો રદ કરવાની માંગ ચૈતર વસાવાએ વિધાનસભામાં વિગતો આપતા જણાવ્યું કે, સરકારની કાર્ય સમિતિના અહેવાલ મુજબ ગીર, બરડા અને આલેછના નેસ વિસ્તારમાં રહેતા આશરે 21,913 રબારી, ભરવાડ અને ચારણ જ્ઞાતિના લોકોને વિશ્લેષણ સમિતિની માન્યતા બાદ લાભ મળવાપાત્ર છે. જોકે, તે સિવાયના અન્ય આશરે 56,000 જેટલા બોગસ એસટી પ્રમાણપત્રો સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. આ તમામ પ્રમાણપત્રો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને અત્યાર સુધી મેળવેલા તમામ લાભો પરત ખેંચી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારમાં પેન્ડિંગ દરખાસ્ત અંગે રજૂઆત ચૈતર વસાવાએ વધુમાં ઉમેર્યું હતું કે, જે લોકોનો સમાવેશ અનુસૂચિત જનજાતિની યાદીમાં ભૂલથી થઈ ગયો છે, તેમને દૂર કરવા માટે રાજ્ય સરકારે ત્રણ વર્ષ પહેલાં કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલી હતી. પરંતુ આ દરખાસ્ત પર હજુ સુધી કોઈ મંજૂરી મળી નથી. રાજ્ય સરકાર આ બાબતે કેન્દ્રમાં તાકીદ કરે અને 2018, 2020 તથા 2022ના કાયદાકીય સુધારાઓનો અમલ કરી વિશ્લેષણ સમિતિ દ્વારા ખોટા પ્રમાણપત્રો ધરાવનારાઓને ઓળખીને દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
સરકારી ભરતીમાં 40% કટ-ઓફ રેશિયોનો વિરોધ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી વર્ગ-3ની પરીક્ષાઓ અંગે પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. વર્ષ 2023ના પરિપત્ર મુજબ રાખવામાં આવેલા 40% કટ-ઓફ રેશિયોને કારણે આદિવાસી સમાજની અનામત બેઠકો ખાલી રહી જતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ પરિપત્ર રદ કરી કટ-ઓફ રેશિયો હટાવવાની માંગ કરવામાં આવી છે જેથી આદિવાસી ઉમેદવારોને અનામતનો પૂરેપૂરો લાભ મળી શકે.
સરકારનો પ્રતિસાદ આ મુદ્દે નાણામંત્રી કનુ દેસાઈએ ગૃહમાં જણાવ્યું હતું કે સરકાર આ બાબતે સંવેદનશીલ છે અને આ એક લાંબા સમયનો પ્રશ્ન છે. આ રજૂઆતના અંતે ચૈતર વસાવાએ અપેક્ષા વ્યક્ત કરી હતી કે સરકાર ટૂંક સમયમાં આ જટિલ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવશે.


