Get The App

રાજકોટ જિલ્લામાં ખેડૂત અકસ્માત વીમા યોજનામાં 56% અરજીઓ હજુ લટકતી!

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
રાજકોટ જિલ્લામાં ખેડૂત અકસ્માત વીમા યોજનામાં 56% અરજીઓ હજુ લટકતી! 1 - image

સરકારી તંત્રની 'કાચબા ગતિ'થી પીડિત કિસાનોમાં કચવાટ

ગત વર્ષે આકસ્મિક ઘટનાનો ભોગ બનેલા ૧૦૫ ખેડૂત પરિવારની અરજી આવી, માત્ર ૪૬ મંજૂર, ૫૯ અરજી હજુ ફાઈલોમાં કેદ

રાજકોટ: રાજકોટ જિલ્લામાં 'ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા સહાય' યોજના હેઠળ એક વર્ષ દરમિયાન મળેલી ૧૦૫ અરજીઓમાંથી અડધાથી વધુ એટલે કે ૫૯ ખેડૂત પરિવારો હજુ પણ સહાયની રાહ જોઈ રહ્યા હોવાનું સામે આવતા જાણે ખેડૂતોના હિતની વાતો કરતી સરકારના દાવાઓની પોલ ખુલી છે. જેમાં માત્ર ૪૬ પીડિત પરિવારોને રૂા.૧૦૪ લાખની સહાય મંજુર થઈ છે.

તાજેતરમાં વિધાનસભામાં રજૂ થયેલી વિગતો મુજબ, તા.૩૧/૧૨/૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં રાજકોટ જિલ્લામાં ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા સહાય યોજનાની અમલવારી કરવાની ચિંતાજનક સ્થિતિ જોવા મળી છે. જિલ્લામાં કોઈ અકસ્માત કે દુર્ઘટનાનો ભોગ બનેલા ખાતેદાર ખેડૂત પરિવાર તરફથી ગત વર્ષે કુલ ૧૦૫ અરજીઓ મળી હતી, જેમાંથી માત્ર ૪૬ અરજીઓ જ મંજૂર કરવામાં આવી છે. એટલે કે ૫૬% ખેડૂત પરિવારો હજુ પણ વળતરથી વંચિત છે.

અચાનક આવી પડેલી આકસ્મિક ઘટનાની કપરી પરિસ્થિતિમાં જ્યારે ખેડૂત પરિવારને આથક ટેકાની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે ૫૯ જેટલી અરજીઓ મંજૂર ન થવી અથવા વિલંબમાં પડવી તે સરકારી તંત્રની ઉદાસીનતા દર્શાવે છે. એક તરફ કુદરતી આફતો અને બીજી તરફ વહીવટી પ્રક્રિયાના જટિલ નિયમોને કારણે ખેડૂતોને પોતાના હકની રકમ મેળવવા માટે પણ સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે.

સ્થાનિક ખેડૂત આગેવાનોનું કહેવું છે કે, ખેડૂત કે તેમના પરિવારના સભ્યનું અકસ્માતે મૃત્યુ થાય અથવા અપંગતા આવે ત્યારે આથક સહાય આપવામાં આવે છે, જેમાં રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો જેમના નામે જમીન હોય, તેમના પતિ કે પત્ની, અને તેમના તમામ સંતાનોનો સમાવેશ થાય છે, તેમની ઉંમર ૫ થી ૭૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ. નવા સુધારા મુજબ, આ યોજનામાં સહાયની રકમ વધારીને રૂા. ૪ લાખથી રૂા.૬ લાખ સુધી કરવામાં આવી છે. આ યોજના માટે ખેડૂતે કોઈ પ્રીમિયમ ભરવાનું હોતું નથી. સરકાર પોતે જ વીમા કંપનીને પ્રીમિયમ ચૂકવે છે. જેમાં રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયતનો હિસ્સો સામેલ હોય છે. પરંતુ જો સમયસર સહાય ન મળે તો આવી યોજનાઓનો કોઈ અર્થ રહેતો નથી.