ગ્રામીણ મતની રાજનીતિના કારણે આંખ આડા કાન : અમુક પેશકદમીમાં કાનૂની દાવપેચ ચાલુ : ક્યાંક દબાણકારોને નોટિસો ફટકારાઈ તો કેટલાંક દબાણો પર બુલડોઝર ફેરવાયાં
રાજકોટ, : ભાજપ સરકાર હિન્દુત્વની વાતો કરે છે પણ વૈદિકકાળથી પવિત્ર ગણાતી ગાયોને ગૌમાતાનો દરજ્જો આપવાનું તો ઠીક, ત્રણ-ત્રણ દાયકાથી ગૌચરની જમીનો પર થયેલા દબાણ હટાવવામાં પણ સરિઆમ નિષ્ફળ ગઈ છે. રાજકોટ જિલ્લામાં ગૌચરની જમીનો પર વર્ષોથી ગેરકાયદેસર દબાણોનો ગંભીર પ્રશ્ન યથાવત છે. સરપંચ અને તલાટીથી લઈને પંચાયત મંત્રી અને સચિવ સુધી સૌકોઈ ગ્રામીણ મતની રાજનીતિના કારણે આંખ આડા કાન કરતા આવ્યા છે.
વિધાનસભામાં ખુદ સરકારે કબુલ્યું કે, રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓમાં 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ કુલ 511 ગૌચર દબાણો જૈસે થે સ્થિતિમાં છે. વળી, આ દબાણો 3 માસથી લઈને 32 વર્ષ જેટલા લાંબા સમયગાળાથી અસ્તિત્વમાં હોવાનું પણ સરકારે સ્વીકાર્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં સૌથી વધુ દબાણો લોધિકા તાલુકાના પારડી ગામે જોવા મળ્યા છે, જ્યાં એકસાથે 384 દબાણો 13 વર્ષથી થયેલા છે. જ્યારે સૌથી જૂનામાં જસદણ તાલુકાના જીવાપર ગામમાં 32 વર્ષથી 8 દબાણો અડીખમ ઉભા છે. એ જ રીતે જેતપુરના જેતલસરમાં 22 વર્ષથી 30 દબાણો છે, જેના રેગ્યુલાઇઝેશનનો પ્રશ્ન હાલ મામલતદાર કચેરી કક્ષાએ પેન્ડીંગ છે. જ્યારે જસદણના નવાગામમાં 10 વર્ષથી 15 દબાણો થયેલા છે.
રાજકોટના ગવરીદડ (2 દબાણ), ઉપલેટાના હાડફોડી (2 દબાણ) અને પડધરીના મોટા રામપર ગામેથી ફેબુ્રઆરી 2026માં દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય દબાણો દૂર કરવા માટે પંચાયત મંત્રી અને જિલ્લા તંત્ર દ્વારા વિવિધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ-૧૦૫ હેઠળ આટકોટ, નવાગામ, જીવાપર, થોરડી, કાગવડ, ભાડેર અને પડધરી તાલુકાના વિવિધ ગામોમાં દબાણકર્તાઓને પ્રથમ નોટિસ પાઠવવામાં આવી છે. જામકંડોરણા અને પીપરડી ગામમાં થયેલા દબાણો સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેનો નિર્ણય આવ્યેથી આગળની કાર્યવાહી થશે. કોટડા સાંગાણીના અરડોઈ અને લોધીકાના જસવંતપુર ગામના કેસો હાલ કોર્ટમાં પડતર છે, જેની આગામી સુનાવણી માર્ચ 2026માં થવાની છે.
વાડા સંહિતા નિયમો-1968 બાબતે પશુપાલકો અજાણ, સરકાર 'સહદેવ'
રાજ્યમાં માલધારીઓ માટે પશુધન બાંધવા અને ઘાસચારો (નિરણ) રાખવા માટેના વાડાઓને કાયદેસર કરવા માટે 'વાડા સંહિતા નિયમો-1968' અમલમાં હોવા છતાં, તંત્રની ઉદાસીનતા અને જાગૃતિના અભાવે આ નિયમો માત્ર કાગળ પર જ રહ્યા હોય તેવું જણાય છે. વિધાનસભામાં સરકારે જ જવાબ આપ્યો છે કે, 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં રાજકોટ જિલ્લામાં એક પણ માલધારીનો વાડો નિયમબધ્ધ કરવામાં આવ્યો નથી. આટલા વર્ષો પછી પણ છેવાડાના માલધારીઓ સુધી આ યોજનાની માહિતી પહોંચી નથી. સરકારે જણાવ્યું છે કે, જ્યારે પણ અરજદાર તરફથી નિયમબધ્ધ કરવા માટે અરજી રજૂ કરવામાં આવશે, ત્યારે જ નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યાં સુધી માલધારીઓ સ્વયં અરજી ન કરે ત્યાં સુધી સરકાર આ બાબતે કોઈ સક્રિય પગલાં લેતી હોય તેમ જણાતું નથી. આ સ્થિતિ સૂચવે છે કે સરકાર માત્ર અરજીઓની રાહ જોઈ રહી છે, જ્યારે માલધારી સમાજમાં આ અંગે યોગ્ય માર્ગદર્શન કે પ્રચારનો અભાવ જોવા મળી રહ્યો છે.


