Gujarat

લોન આપવાના બહાને વિદેશી નાગરિકોને છેતરતાં 5 પકડાયા

By GS Team
22 Jul 20202 mins read
This article was originally published on 22 Jul 2020
લોન આપવાના બહાને વિદેશી નાગરિકોને છેતરતાં 5 પકડાયા

ગાંધીનગર, તા. 22 જુલાઇ 2020, બુધવાર

ગાંધીનગર શહેરના સે-૩/એ ન્યુમાં રહેણાંક મકાનમાં ચાલતાં ગેરકાયદેસર કોલ સેન્ટર ઉપર સે-૭ પોલીસે દરોડો પાડયો હતો અને પાંચ લેપટોપ, પાંચ મોબાઈલ અને રાઉટર સાથે પાંચ શખ્સોને ઝડપી પાડયા હતા. આ શખ્સો અમેરિકા સહિતના વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને છેતરતાં હતા. લોન આપવાના બહાને દસથી પંદર ટકા રૂપિયા એડવાન્સ વસુલવામાં આવતા હતા.

રાજયમાં થોડા સમય અગાઉ મોટા પ્રમાણમાં કોલ સેન્ટરો ધમધમી રહયા હતા અને આ સેન્ટરો મારફતે વિદેશી નાગરિકોને છેતરવામાં આવતાં હોવાની વ્યાપક ફરિયાદોના પગલે કોલ સેન્ટર સામે પોલીસે લાલ આંખ કરીને કાર્યવાહી કરી હતી. જેના પગલે આ કોલ સેન્ટરોનો ધંધો અટકી ગયો હતો. પરંતુ ખુણેખાંચરે હજુએ આવા કોલ સેન્ટરો ધમધમી રહયા છે ત્યારે સે-૭ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે સે-૩/એ/ન્યુમાં પ્લોટ નં.૧૩૨/ર માં બે ભાઈઓ દ્વારા કોલ સેન્ટર ચલાવવામાં આવી રહયું છે. જેના પગલે આ પોલીસ ટીમે અહીં દરોડો પાડયો હતો. જેમાં મુખ્ય સુત્રધાર એવા પાર્થ અશ્વિનભાઈ શાહ અને સન્ની અશ્વિનભાઈ શાહ સે-૭ પ્લોટ નં.૬૧૨/૧ ખાતે રહેતાં દીપ અખીલકુમાર પટેલ, ધીરજ કાલીદત્ત પાંડે રહે.ગોલ્ડરતન સોસાયટી કોલવડા, નિકોલસ બર્થોલોમે રાયન રહે.નેનોસીટી-ર સરગાસણને ઝડપી પાડયા હતા. આ સ્થળેથી પોલીસે પ૦ હજારની કિંમતના પાંચ લેપટોપ, પાંચ મોબાઈલ અને રાઉટર મળી ૮૦૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ પાંચેય શખ્સો સામે છેતરપીંડી અને આઈટી એકટ હેઠળ તેમને કોરોના ટેસ્ટ માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. આ ટોળકી ઈન્ટરનેટના માધ્યમથી અમેરીકા સહિતના વિદેશી નાગરિકોને લોન આપવા માટેની લાલચ આપીને ઈન્સ્ટોલમેન્ટ પેટે દસથી પંદર ટકા જેટલી રકમ વસુલતી હતી. જેની પુછપરછમાં અન્ય વિગતો પણ બહાર આવવાની શકયતા છે.