- મહાપાલિકાના વાંકે 8 માસ કરતા વધુ સમયથી સિટી બસ સેવા બંધ
- ઇ-બસ શરૂ કરવામાં વિલંબ થતા લોકોમાં રોષ : મહાપાલિકાના વાયદા વારંવાર ખોટા પડી રહ્યા છે
ભાવનગર શહેરમાં પીએમ ઇ-બસ સેવા યોજના હેઠળ ૪૦ ઇ-બસ આવી ગઈ છે છતાં હજુ મહાપાલિકા દ્વારા આયોજનના અભાવે ઇ-બસ સેવા શરૂ કરવામાં આવી નથી. મહાપાલિકા દ્વારા ઇ-બસ સેવા શરૂ કરવામાં વિલંબ થયો છે અને ઇ-બસ સેવા શરૂ કરવાની તારીખોના વાયદા વારંવાર ખોટા પડયા છે ત્યારે લોકોમાં કચવાટ ફેલાયો છે. ઇ-બસ સેવા ઝડપથી શરૂ કરવા લોકો માંગણી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપના રાજમાં ભાવનગર શહેરમાં છેલ્લા ૮ માસ કરતા વધુ સમયથી સિટી બસ સેવા બંધ છે તેથી મુસાફરો પરેશાન છે. સિટી બસ સેવા લાંબા સમયથી બંધ હોવાથી લોકોને ના છૂટકે રિક્ષામાં મુસાફરી કરવી પડી રહી છે અને રિક્ષા ચાલકો વધુ ભાવ લેતા હોવાથી મુસાફરોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાનના હસ્તે ઇ-બસ સેવા શરૂ કરવા ચાલતી તૈયારી
ભાવનગર મહાપાલિકા દ્વારા વડાપ્રધાનના હસ્તે પીએમ ઇ-બસ સેવા શરૂ કરવા તૈયારીઓ ચાલી રહી છે, જેના માટે વડાપ્રધાન કાર્યાલય પાસે સમય પણ માંગ્યો છે પરંતુ હજુ સુધી ઓનલાઈન કાર્યક્રમની તારીખ નક્કી થઈ નથી તેથી મહાપાલિકા દ્વારા કાર્યક્રમની જાહેર કરવામાં આવી નથી. ઇ-બસ સેવા તત્કાલ શરૂ કરવા લોકો માંગણી કરી રહ્યા છે.


