મુખ્ય આરોપીનો ગુનાહિત ઇતિહાસ
અમદાવાદ અને જૂનાગઢના આરોપી પાસેથી રિક્ષા, છરી સહિત ૩.૧૧ લાખનો મુદ્દામાલ સાણંદ પોલીસે જપ્ત કર્યો
સાણંદ - સાણંદ પોલીસે રિક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી અને લૂંટ ચલાવતી ટોળકીને ઝડપી પાડી છે. પકડાયેલા ચાર આરોપીઓ પાસેથી રિક્ષા, મોબાઈલ અને લૂંટના ઘરેણાં સહિત ૩,૧૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લૂંટારૃ ગેંગને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી છે. પકડાયેલા આરોપીઓમાં પ્રકાશ ઉર્ફે જાડિયો બટકો ઉર્ફે બકો ચમન મગન ઉર્ફે મંગા પટણી (રહે. પોપટ વાળા.મેઘાણીનગર,અમદાવાદ), દિલીપ જખવાડિયા (મૂળ જૂનાગઢ), વિજય ફૂલજી પટણી અને પૂનમબેન અમૃતભાઇ ધીરૃભાઇ જંદાવડા (અમદાવાદ)નો સમાવેશ થાય છે. આ ગેંગ મુસાફરોને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી ચોરી અને લૂંટ ચલાવતી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફે જાડિયો અગાઉ રાજ્યના વિવિધ શહેરોમાં ૧૮ ગુનાઓમાં સંડોવાયેલો છે. આ ટોળકીએ બાવળા વિસ્તારમાં પણ લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી છે. પોલીસે તેમની પાસેથી ગુનામાં વપરાયેલી સીએનજી રિક્ષા, સોનાના બટન, મોબાઈલ ફોન અને છરી સહિત કુલ રૃ.૩,૧૧,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી અન્ય કેટલા સ્થળોએ લૂંટ ચલાવી છે. તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.


