Get The App

રૂવાની આવાસ યોજનામાં 120 માંથી 34 ભાડુઆત, મનપાએ નોટિસ ફટકારી

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
રૂવાની આવાસ યોજનામાં 120 માંથી 34 ભાડુઆત, મનપાએ નોટિસ ફટકારી 1 - image

- પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાવનગર મનપાએ તપાસ હાથ ધરી 

- 49 લાભાર્થી રહેતા હતા અને 37 મકાન બંધ હતા, ભાડુઆતોને 7 દિવસમાં આવાસ ખાલી કરવા સૂચના 

ભાવનગર : ભાવનગર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નિયમનો ભંગ કરી આવાસ ભાડે આપવામાં આવી રહ્યા હોવાનુ મનપાના ધ્યાન પર આવ્યુ છે તેથી મનપાએ તમામ આવાસ યોજનામાં તબક્કાવાર તપાસ શરૂ કરી છે અને ભાડુઆતોેને નોટિસ આપવામાં આવી રહી છે. આજે મંગળવારે રૂવા ખાતેની આવાસ યોજનામાં સર્વે કરવામાં આવ્યો હતો. 

ભાવનગર મહાનગરપાલિકાના દ્વારા શહેરના રૂવામાં રીંગ રોડ પર આવેલ ફાઈનલ પ્લોટ નંબર-૧૦૪ ખાતેની રપ૪૮ ઇ.ડબ્લ્યું. એસ.-૧ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આજે મંગળવારે ભાડુઆતના મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ આવાસ યોજનામાં કુલ ૧ર૦ આવાસ આવેલા છે, જેમાં ૩૪ ભાડુઆત હતા અને ૪૯ મુળ લાભાર્થી હતા, જયારે ૩૭ બંધ મકાન જોવા મળ્યા હતાં. ભાડુઆતોને ૭ દિવસમાં આવાસ ખાલી કરવા તાકીદ નોટિસ આપીને આવાસો ખાલી કરાવવા જાણ કરવામાં આવેલ છે. અન્યથા આવા આવાસોના સીલીંગ કરવા ઉપરાંત દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમજ આગામી દિવસોમાં અન્ય સ્થળો પર આવેલા આવાસોના સર્વે કરી ભાડે આપેલ આવાસોના સીલીંગ કરવાની કામગીરી કાર્યવાહી કરવામાં આવનાર છે તેમ મહાપાલિકાના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે. 

મહાપાલિકાની તપાસના પગલે આવાસ ભાડે આપનાર લાભાર્થીઓમાં તેમજ ભાડુઆતો લોકોમાં ફફડાટ ફેલાયો છે. હાલ અન્ય જગ્યાએ ભાડે મકાન શોધવા માટે દોડધામ ચાલી રહી હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.  

આવાસ યોજનામાં 7 વર્ષ સુધી ફલેટ ભાડે કે વેચાણથી આપી શકાતો નથી

આવાસ યોજનાની ગાઈડલાઈન અને અરજીપત્રકમાંની શરતો મુજબ લાભાર્થી કબજા ફાળવણીથી સાત વર્ષ સુધી આવાસ વેચાણથી આપી શકતા નથી તેમજ ભાડાથી કે અન્ય કોઈ રીતે સગા સંબંધીઓ/આસામીઓને રહેણાંકીય કે અન્ય ઉપયોગ માટે આપી શકતા નથી તેમ ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગના કાર્યપાલક ઇજનેર (પીએમએવાય ઘટક)એ માહિતી આપતા જણાવેલ છે.