Gujarat

ચૂંટણીને અનુલક્ષીને વડોદરા રેન્જમાંથી ૩,૫૪૦ હથિયારો જમા લેવાયા

By GS TEAM
17 Apr 20262 mins read
ચૂંટણીને અનુલક્ષીને   વડોદરા રેન્જમાંથી ૩,૫૪૦ હથિયારો  જમા લેવાયા

 વડોદરા,ચૂંટણીને અનુલક્ષીને રેન્જ આઇ.જી. દ્વારા ભરૃચ, વડોદરા, નર્મદા તથા છોટાઉદેપુર અધિક્ષક સાથે એક મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં  ચૂંટણી શાંતિપૂર્ણ વાતવારણમાં સંપન્ન થાય તે માટે સૂચનો કરવામાં આવ્યા છે.

ભરૃચ, વડોદરા ગ્રામ્ય, નર્મદા તથા છોટાઉદેપુર જિલ્લામાંથી કુલ પરવાનાવાળા કુલ ૩,૫૪૦ હથિયારો જમા લેવામાં આવ્યા છે. ચાર જિલ્લામાંથી નાસતા ફરતા  ૨૪ આરોપીઓની ધરપકડ કરાઇ છે. જ્યારે ૧,૧૬૧ નોન બેલેબલ વોરંટની બજવણી કરવામાં આવી હતી. ચાર જિલ્લા પૈકી સૌથી વધુ વડોદરા જિલ્લામાં ૩,૦૮૮ સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે.  ચારેય જિલ્લામાં અટકાયતી લોકોની કુલ સંખ્યા ૯,૮૮૨ છે.  કુલ ૧૦૭ આરોપીઓને તડિપાર કરાયા છે, જ્યારે ૧૮ ની પાસા  હેઠળ અટકાયત કરાઇ છે.

 આ ઉપરાંત બે જિલ્લાની હદ વચ્ચે કુલ ૩૭ ચેક પોસ્ટ ઊભી  કરાઇ છે. જ્યાં ૨૪ કલાક બેરિકેડ લગાવી શંકાસ્પદ વાહનોનું ચેકિંગ થઇ રહ્યું છે. તેમજ પાડોશી રાજ્યો સાથે વાતચીત કરી વધુ ૧૦ ચેક પોસ્ટ શરૃ કરાઇ છે. ચૂંટણી જાહેર થયા પછી આ ચેક પોસ્ટ પર ૨૭,૨૮૧ વાહનોનું  ચેકિંગ કરાયું છે. તે દરમિયાન ૩૨ વાહનો ડિટેન કરાયા છે તથા દારૃ પીને વાહન ચલાવતા ૪૯ લોકો સામે કેસ કરાયા છે.  



ચાર જિલ્લામાંથી પોલીસે ૧.૦૯ કરોડનો દારૃ કબજે કર્યો

વડોદરા,

ભરૃચ જિલ્લાના ૩૯૨, વડોદરા ગ્રામ્યના ૭૧૭, નર્મદા જિલ્લાના ૩૮૫ તથા છોટાઉદેપુરના ૧૫૫ મળી કુલ ૧,૬૪૯ લિસ્ટેડ બૂટલેગરોની ત્યાં તપાસ કરવામાં આવી છે. તે દરમિયાન પ્રોહિબીશનના કુલ ૨,૦૨૮ કેસ નોંધાયા છે. પોલીસે દારૃની  કુલ ૨૧,૫૦૦ બોટલ કિંમત રૃપિયા ૧.૦૯ કરોડની કબજે કરી છે.દારૃના ગુનામાં પકડાયેલા ૧,૨૮૭ આરોપીઓ સામે કાર્યવાહી કરી જામીન લેવામાં આવ્યા છે.