ભારતમાં કેન્સર, ડાયાબીટીસ, હૃદયરોગ સહિત ICMRના ૨૦૧૭ના રિપોર્ટ મુજબ 1990માં 30.5 ટકા કેસો ઈ. 2016માં વધીને 55.4 ટકાઃ હાલ સર્વે થાય તો 65 ટકાની શક્યતા : આર્ટીફીશ્યલ સ્વીટનર્સથી ડાયાબીટીસ થવાનું 23 ટકા, હૃદયરોગનું જોખમ 32 ટકા અને કેન્સરનું 13 ટકા જોખમ વધી જાય છે
રાજકોટ, : તાજેતરમાં હાલ ફેબુ્રઆરી માસના સંસદના સત્રમાં સરકારે એક પ્રશ્નના ઉત્તરમાં આઈ.સી.એમ.આર.ના રિપોર્ટને ટાંકીને જણાવ્યું કે નોન કોમ્યુનિકેબલ ડીસીઝ (અર્થાત્ બીન ચેપી રોગો)નું પ્રમાણ ઈ.સ. 1990માં 30.50 ટકાથી વધીને ઈ.સ. 2016માં 55.40 ટકા થયું છે એટલે કે 25 ટકા વધારો થયો છે અને આ સાથે તા. 6 ફેબુ્રઆરીના અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં એ પણ જણાવ્યું છે કે આર્ટીફીશિયલ સ્વીટનર્સ (સાકર,મધ,ગોળ વગરની કૃત્રિમ ગળપણ )થી આ રોગોનો ખતરો 32 ટકા સુધી વધી જાય છે.
ઈન્ડીયન કાઉન્સિલ ફોર મેડીકલ રિસર્ચના આ રિસર્ચ રિપોર્ટ તો છેક ઈ.સ. 2017નો ટાંકવામાં આવ્યો છે. એ મૂજબ દર વર્ષે સરેરાશ 1 ટકાનો વધારો એટલે કે હાલ ઈ.સ. 2026 ચાલે છે ત્યારે આ રોગનું પ્રમાણ આ જ રીતે વધ્યું હોવાનું માનીએ તો હાલ ૬૫ ટકાએ પહોંચી ગયાની શક્યતા છે.
કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે સ્વીકાર્યું કે વિશાળ પાયા પર પધ્ધતિસરના રિવ્યુઝ, એઆઈથી વિશ્લેષણ તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કરાયેલા મૂલ્યાંકન એ દર્શાવે છે કે નોન સુગર અર્થાત્ આર્ટીફીશિયલ સુગરના ઉપયોગથી (1) ટાઈપ-2 ડાયાબીટીસનનું જોખમ 23 ટકા (2) વિવિધ પ્રકારના કેન્સર જેમાં ખાસ કરીને બ્લેડરનું તેનો ખતરો 13 ટકા અને (3) હૃદયરોગ (કે જેના કેસો ગુજરાતમાં ચિંતાજનક વધે છે) નો ખતરો 32 ટકા વધી જાય છે.
કેન્સર, હૃદયરોગ, ડાયાબીટીસ જેવા રોગો માટે આવા અનુચીત ખાનપાન ઉપરાંત તમાકુ-દારૃનું વ્યસન, અપુરતો શારીરિક શ્રમ અર્થાત્ બેઠાડું જીવનશૈલી, વધુ માત્રામાં ખાંડ અને નમકનો ઉપયોગ તેમજ સેચ્યુરેટેડ ફેટવાળી ચીજોનું સેવન વગેરે કારણો પણ જણાવાયા છે


