ગુજરાતમાં 2335 સરકારી શાળાના વિદ્યાર્થીઓ એક જ 'ગુરુ'ના ભરોસે, 201 સ્કૂલોની તાળાબંધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Government Single Teacher Schools Data : ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે વિકાસના દાવાઓ વચ્ચે રાજ્યના શિક્ષણ વિભાગની એક અત્યંત ચિંતાજનક હકીકત સામે આવી છે. 'વાંચે ગુજરાત' અને 'શાળા પ્રવેશત્સવ' જેવા સરકારી ઉત્સવો અને માર્કેટિંગ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે રાજ્યમાં પૂરતા શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.
2335 સરકારી શાળાઓ માત્ર એક જ 'ગુરુ'ના ભરોસે
સરકારી અહેવાલ અને આંકડાઓ અનુસાર, ગુજરાતમાં કુલ 2335 સરકારી શાળાઓ એવી છે કે જે માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે. જ્યારે આખો દેશ ડિજિટલ ઈન્ડિયા અને ગ્લોબલ એજ્યુકેશન તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં હજારો બાળકોનું ભવિષ્ય માત્ર એક જ શિક્ષકના માથે છોડી દેવામાં આવ્યું છે. આ સ્થિતિ માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર ભારતમાં એક જ શિક્ષક ધરાવતી સરકારી શાળાઓની સંખ્યા 1,00,483 પર પહોંચી ગઈ છે, જે શિક્ષણ વ્યવસ્થાની ગંભીર સ્થિતિ દર્શાવે છે.
2 વર્ષમાં 201 સરકારી શાળાઓ કાયમ માટે બંધ
આંકડા સાક્ષી પૂરે છે કે છેલ્લા 2 જ વર્ષમાં ગુજરાતમાં 201 સરકારી શાળાઓ કાયમ માટે બંધ થઈ ગઈ છે. વર્ષ 2023 માં રાજ્યમાં સરકારી શાળાઓની સંખ્યા 53,626 હતી. જે ઘટીને વર્ષ 2025-26 માં 53,425 થઈ ગઈ છે. વિવેચકો અને વાલીઓનો આક્ષેપ છે કે સરકારી શાળાઓને નબળી પાડીને ખાનગી શાળાઓને પાછલા બારણે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના વાલીઓ મોંઘી ખાનગી શાળાઓમાં ઊંચી ફી ભરવા મજબૂર બન્યા છે.









