Get The App

વસો અને મહેમદાવાદ પંથકમાં થયેલા 2 માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
વસો અને મહેમદાવાદ પંથકમાં થયેલા 2 માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત 1 - image

- જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્

- અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા, જે-તે વિસ્તારની પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી 

નડિયાદ : વસો અને મહેમદાવાદ પંથકમાં સર્જાયેલા બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત નિપજ્યાં હતા, જ્યારે અન્ય વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. આ અકસ્માત મામલે જે-તે વિસ્તારની પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રથમ બનાવમાં વસો-રામોલ રોડ પર પાણીના કાંસ નજીક આવેલા વળાંક પર પલાણા જઈ રહેલી એક આઈસર ગાડી પલટી ખાઈ ગઈ હતી. બેન્ડના સામાન, જનરેટર તથા ૧૪ મુસાફરો સાથે જઈ રહેલી આઈસર ગાડી ચાલક ધવલ બાલા ભરવાડની ગફલત અને બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં જનરેટર નીચે દબાઈ જવાથી ઇસણાવના રહેવાસી ૫૨ વર્ષીય રમેશભાઈ મફતભાઈ તળપદાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે આઈસરમાં સવાર અન્ય પાંચ લોકોને ગંભીર ઇજાઓ થતાં તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અન્ય મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. વસો પોલીસે આઈસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં મહેમદાવાદના સિંહુજ ચોકડીથી નડિયાદ તરફ જતા રોડ પર ગત રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો. પરસાતંજ ગામના રહેવાસી ૩૨ વર્ષીય હર્ષદભાઈ મુળજીભાઈ ગોહેલ પોતાની મોટરસાયકલ લઈને જઈ રહ્યાં હતા. ત્યારે સિંહુજ ગામની સીમમાં રોડની બાજુમાં આવેલી ગટરમાં બાઈક ઉતરી પડયું હતું. અકસ્માતમાં હર્ષદભાઈને મોઢા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. સવારે પરિવારજનોને જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મહેમદાવાદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મહેમદાવાદ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.