Get The App

બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનની બે ઘટનામાં 2 પદયાત્રીના મોત

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનની બે ઘટનામાં 2 પદયાત્રીના મોત 1 - image

- રોહિકા નજીક માણસાના પદયાત્રીનું ટ્રકની અડફેટે મોત

- ચોટીલા જઇ રહેલા ખેડાના પલાણા ગામના પદયાત્રીને અજાણ્યા વાહનોએ કચડયો : ચાલક ફરાર

બગોદરા : બગોદરા હાઈવે પર છેલ્લા ૨૪ કલાકમાં હિટ એન્ડ રનના બે અલગ-અલગ બનાવોમાં ખેડા અને ગાંધીનગરના બે પદયાત્રીઓએ જીવ ગુમાવ્યા છે. અજાણ્યા વાહન ચાલકો અકસ્માત સજર્જી ફરાર થઈ જતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા નજીક અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. પ્રથમ બનાવમાં, ગાંધીનગરના માણસા તાલુકાના સોભાસણ ગામથી માતાજીનો રથ લઈને રાજપરા ખોડીયાર મંદિર (ભાવનગર) જઈ રહેલા પદયાત્રીઓને રોહિકા ગામ પાસે અજાણ્યા ટ્રકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ૪૫ ર્વર્ષીય જીવણસિંહ રાઠોડનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક પદયાત્રી રામાજી ઠાકોરને ગંભીર ઈજાઓ પહોંચતા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

બીજા બનાવમાં, બગોદરા ટોલટેક્સ પાસે ખેડા જિલ્લાના પલાણા ગામના ગોપાલભાઈ પઢિયાર પગપાળા ચોટીલા જઈ રહ્યા હતા ત્યારે કોઈ કાળમુખા વાહને તેમને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં પણ પદયાત્રીનું સ્થળ પર જ મોત થયું હતું અને વાહન ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. બગોદરા પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, ફરાર વાહન ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે. સતત વધતા અકસ્માતોને પગલે હાઈવે પર પદયાત્રીઓની સુરક્ષા સામે સવાલો ઉઠયા છે.