પાલિતાણા પંથકની
જાતિય સતામણી કરનાર સંસ્થાના વ્યવસ્થાપક અને અન્ય એક શખ્સને સજા અને દંડનો હુકમ
ભાવનગર - પાલિતાણા પંથકની એક સંસ્થામાં રહેતી સગીરા સાથે સંસ્થાના વ્યવસ્થાપક અને અન્ય એક શખ્સે દુષ્કર્મ આચર્યા અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડિ.સેસન્સ જજ તથા સ્પે.પોક્સો કોર્ટની અદાલતમાં ચાલી જતાં કોર્ટે આધાર પુરાવા અને દલીલોના આધારે બન્ને આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો છે.
પાલિતાણા પંથકની એક સંસ્થામાં વિનોદકુમાર ઉર્ફે વિનુભાઈ નટુલાલ ચૌહાણ (હાલ રહે.ઉદવાડા, જી.વલસાડ, મુળ રહે.તળાજા) અને રાઘવભાઈ રામજીભાઈ ધામેલીયા (રહે.વાળુકડ, તા.પાલિતાણા)એ ગત તા.૭-૮-૨૦૨૩થી ૮-૧૧-૨૦૨૩ દરમિયાન સંસ્થાની સગીરા સાથે જાતિય સતામણી કરી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. બન્ને આરોપીઓ પૈકી એક આરોપી સંસ્થાનો વ્યવસ્થાપક હોવા છતાં સગીરા સાથે જાતિય સતામણી કરી દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે પાલિતાણા ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડી.સેસન્સ જજ તથા સ્પે.પોક્સો કોર્ટ જજ હેતલબેન દવેની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે સરકારી વકિલ ગીતાબા પી.જાડેજાની દલીલો અને આધાર, પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને લઈ આરોપી વિનોદકુમાર ઉર્ફે વિનુભાઈ નટુલાલ ચૌહાણ તથા રાઘવભાઈ રામજીભાઈ ધામેલીયા સામે ગુનો સાબિત માની કોર્ટે જુદી-જુદી કલમો હેઠળ ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.


