Get The App

ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2.42 લાખ મતદારો મતદાન કરશે

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2.42 લાખ મતદારો મતદાન કરશે 1 - image

- ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ જાહેર કરાતા તંત્રની તૈયારીઓ શરૂ

- રાજકીય પક્ષોના બેનર/હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરાઈ : ચૂંટણી આદર્શ આચાર સંહિતાનો ચૂસ્તપણે અમલ કરાશે 

આણંદ : ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોની ખાલી પડેલી વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ઉમરેઠ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ રાઇજીભાઈ પરમારના અવસાનને કારણે ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. ૨૩મી એપ્રિલ, ૨૦૨૬ના રોજ મતદાન યોજાશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જણાવ્યું હતુ કે, તા. ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ ઉમરેઠ વિધાનસભાની બેઠક માટે મતદાન યોજાશે. આ ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણીની આદર્શ આચારસંહિતાનું સબંધિત વિધાનસભા વિસ્તારમાં ચૂસ્તપણે પાલન કરવામાં આવશે તેમજ સંપૂર્ણ પારદર્શકતા સાથે ચૂંટણી પ્રક્રિયા યોજાશે. ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આચાર સંહિતા અમલી બનતા જ સબંધિત વિધાનસભા વિસ્તારમાં વિવિધ સ્થળે લગાવેલા રાજકીય પક્ષોના બેનર/હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

ઉમરેઠ વિધાનસભામાં કુલ ૨,૪૨,૮૩૬ મતદારો નોંધાયેલા છે, તે પૈકી ૧,૦૫,૯૯૦ પુરૂષ મતદારો તેમજ ૧,૦૦,૯૦૯ મહિલા મતદારો નોંધાયા છે. પેટા ચૂંટણી માટે કુલ ૩૦૬ મતદાન મથકો રાખવામાં આવ્યા છે. આ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શક અને વિશ્વસનીય મતદાન સુનિશ્ચિત થઈ શકે તેથી તમામ મતદાન મથકો પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ અને વીવીપીએટીનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ માટે નોડલ અધિકારી તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી(મહેકમ)ની નિમણૂંક કરાઈ છે. જ્યારે વિધાનસભા મતવિસ્તાર માટે કુલ ત્રણ એફ.એસ.ટી., એસ.એસ.ટી., વી.એસ.ટી. અને વી.વી.ટી ટીમો કાર્યરત કરવામાં આવી છે. 

111-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો કાર્યક્રમ 

૩૦મી માર્ચના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે

૬ઠ્ઠી એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્રક ભરી શકાશે

૭મી એપ્રિલના રોજ ઉમેદવારી પત્રકોની ચકાસણી થશે

૯મી એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે

૨૩મી એપ્રિલના રોજ મતદાન યોજાશે

૪થી મે, ૨૦૨૬ના રોજ પરિણામ જાહેર થશે