Gujarat

યુક્રેનથી પરત ફરેલા વડોદરાના ૧૮ વિદ્યાર્થીઓનું પુષ્પવર્ષા સાથે સ્વાગત

By GS Team
27 Feb 20222 mins read
This article was originally published on 27 Feb 2022
યુક્રેનથી પરત ફરેલા વડોદરાના ૧૮ વિદ્યાર્થીઓનું પુષ્પવર્ષા સાથે સ્વાગત

વડોદરાઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને વાયા રોમાનિયા થઈને ભારત સરકાર પરત લાવી રહી છે.ભારતીયોની પહેલી ફ્લાઈટ શનિવારે મુંબઈ આવી હતી.જેમાં વડોદરાના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થતો હતો.ગુજરાત એસટીની વોલ્વો બસમાં વડોદરાના ૧૮ વિદ્યાર્થીઓ આજે સવારે શહેરમાં આવી પહોંચ્યા હતા.

સરકીટ હાઉસ ખાતે આ વિદ્યાર્થીઓનુ કુમકુમ તિલક કરીને અને ફૂલો વરસાવીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ.વિદ્યાર્થીઓને તેમના માતા-પિતા ભેટી પડયા હતા.કેટલાકની આંખમાં આંસુ આવી જતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.આ બસમાં અમદાવાદના પણ કેટલાક વિદ્યાર્થીઓ હતા.જેઓ સરકીટ હાઉસમાં ટુંકા રોકાણ બાદ બસમાં  અમદાવાદ જવા રવાના થયા હતા.

વડોદરાના જે પણ વિદ્યાર્થીઓ પાછા આવ્યા છે તેઓ ચેરનિવત્સી શહેરની મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.મોટાભાગના વિદ્યાર્થીઓનુ કહેવુ છે કે, ચેરનિવત્સીમાં કોઈ જાતની સમસ્યા નથી પણ હવે રોમાનિયાની બોર્ડર થઈને યુક્રેન છોડવા ધસારો વધી રહ્યો હોવાથી બોર્ડર ક્રોસ કરવામાં કલાકો લાગી રહ્યા છે.અમે ઈચ્છી રહ્યા છે કે, અમારી સાથે ભણતા બીજા ભારતીય વિદ્યાર્થીઓ પણ વહેલી તકે અને સહી સલામત ભારત પરત આવે.

બીજા ૧૦૦૦ વિદ્યાર્થીઓ પણ જલ્દી પાછા ફરે તેવી પ્રાર્થના 

પરત ફરેલા વિદ્યાર્થીઓમાં પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં રહેતી આસ્થા પટેલનો પણ સમાવેશ થતો હતો.તેનુ કહેવુ હતુ કે, અમે નસીબદાર છે કે પહેલા જ ગૂ્રપમાં અમારો નંબર લાગી ગયો હતો.જોકે અમે ઈચ્છીએ છે કે, અમારી સાથે ભણતા બીજા વિદ્યાર્થીઓ પણ વહેલી તકે પાછા ફરે.કારણકે રોમાનિયા બોર્ડર  પર પણ સ્થિતિ ધીરે ધીરે વિકટ થઈ રહી છે.હજારો લોકો બોર્ડર ક્રોસ કરવા ધસારો કરી રહ્યા છે.અમારી સાથે ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ એવા છે જેમને હજી યુક્રેનથી આવવાનુ બાકી છે.

મમ્મીએ ચિંતામાં ખાવાનું ઓછું કરી નાખ્યું હતું 

તરસાલી વિસ્તારમાં રહેતા જય પટેલ નામના વિદ્યાર્થીએ કહ્યુ હતું કે, હું પરત આવ્યો છું એટલે પરિવારના સભ્યોએ રાહત અનુભવી છે.મારી મમ્મીએ તો ચિંતામાં ખાવાનુ પણ ઓછુ ખરી નાંખ્યુ હતુ.ભારતીય એમ્બેસી અને સરકારનો અમે આભાર માનીએ છે કે,તેમના કારણે અમને સરળતાથી વડોદરા પાછા આવવા મળ્યુ.

૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ ગઈકાલ રાતથી રોમાનિયા બોર્ડર પર છે 

ચેરનિવત્સીની યુનિવર્સિટીમાં જ અભ્યાસ કરતા બીજા બે વિદ્યાર્થીઓના વાલીઓ આજે રજૂઆત કરવા માટે સરકીટ હાઉસ ખાતે આવ્યા હતા.કલ્પેશ મકવાણા અને મનોજ આદેસરા નામના વાલીઓનુ કહેવુ હતુ કે, અમારા બાળકો ભાવેશ મકવાણા અને ઓમ આદેશરા તથા બીજા ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ રોમાનિયા બોર્ડર પર ગઈકાલ રાતથી ઉભા છે.આ વિદ્યાર્થીઓ તેમજ યુનિવર્સિટીના બીજા ભારતીય વિદ્યાર્થીઓને પણ સરકાર વહેલી તકે રોમાનિયા પહોંચાડે તેવી અમારી અપીલ છે.

પુત્ર પાછો આવે તે માટે માનતા માની હતી 

ગોધરાના કબીર ઈમ્તિયાઝ મન્સૂરીએ કહ્યુ હતુ કે, ચેરનિવત્સી શહેરમાં કોઈ સમસ્યા નહોતી અને યુધ્ધ જેવો માહોલ પણ નહોતો.જોકે ભારતથી પરિવારના સભ્યો અને બીજા પરિચિત લોકોના ફોન આવવા માંડયા એટલે ચિંતા થઈ હતી.કબીરના માતા પિતાએ કહ્યુ હતુ કે ,પુત્ર સહીસલામત પાછો આવે તે માટે માનતા માની હતી.જે હવે પુરી કરીશું.