- નડિયાદ મહાનગરપાલિકાની બેદરકારીથી તિજોરીને નુકસાન
2022 માં ઠરાવ નં. 67 કરીને દુકાનોનો કબજો પરત મેળવવાની નિર્ણય અધ્ધરતાલ, કેટલાક કિસ્સામાં શરત ભંગ કરીને દુકાનો બારોબાર વેચાઇ ગઇ નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાના વહીવટી તંત્રની નિષ્ક્રિયતાને કારણે મરીડા ભાગોળ પંમ્પિંગ સ્ટેશન પાસે આવેલી ૧૭ દુકાનો ખાનગી લોકોઓના હવાલે થઈ ગઈ છે. ૨૦૨૨માં સામાન્ય સભાએ આ મિલકતોનો કબ્જો પરત લેવાનો ઠરાવ કર્યો હોવા છતાં રાજકીય વગને કારણે હજુ સુધી એક પણ દુકાન ખાલી કરાવી શકાઈ નથી. જેનાથી મહાનગરપાલિકાની તિજોરીને મોટું નુકસાન થઈ રહ્યું છે.
નડિયાદ મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓની રહેમનજર હેઠળ શહેરની કિંમતી સરકારી મિલકતો પર ખાનગી લોકોનો સકંજો મજબૂત બની રહ્યો છે. મરીડા ભાગોળ વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન પાસે પાલિકાની માલિકીની ૧૭ દુકાનો આવેલી છે. આ દુકાનોના ભાડાપટ્ટાની મુદત વર્ષો પહેલા પૂર્ણ થઈ ચૂકી છે. નવાઈની વાત એ છે કે, મૂળ ભાડૂઆતોએ પાલિકાની મંજૂરી વગર કરીને જ આ મિલકતો અન્ય વ્યક્તિઓને વેચાણથી આપી દઈને ભાડાની શરતોના લીરેલીરા ઉડાડયા છે.
વર્ષ ૨૦૨૨માં નગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવ નંબર ૬૭ પસાર કરીને આ દુકાનોનો કબ્જો પરત મેળવવાની સૂચના આપવામાં આવી હતી. જોકે, ચાર વર્ષ વીતવા છતાં વહીવટી તંત્ર માત્ર કાગળ પર નોટિસો ફટકારીને સંતોષ માની રહ્યું છે. આ કબજેદારો છેલ્લા ઘણા સમયથી પાલિકામાં ભાડું પણ ભરતા નથી. જો આ મિલકતો ખાલી કરાવી તેની જાહેર હરાજી કરવામાં આવે, તો મહાનગરપાલિકાની આવક વધુ શકે છે. પરંતુ રાજકીય વગ ધરાવતા તત્વો સામે તંત્રનું બુલડોઝર ચાલતું નથી, જે સામાન્ય જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે.
નગરપાલિકાના સ્વભંડોળ તળિયા ઝાટક
નડિયાદ પાલિકાનું હાલનું સ્વભંડોળ તળિયે હોવા છતાં, અધિકારીઓની ઉદાસીનતાને કારણે ઠરાવ નંબર ૬૭ માત્ર ફાઈલોમાં જ દબાઈ રહ્યો છે. આ મિલકતોનો પ્રત્યક્ષ કબ્જો મેળવવા માટે હજુ સુધી કોઈ જમીની કાર્યવાહી શરૂ કરાઈ નથી. જો આ ૧૭ દુકાનો કબજો કરવામાં નહીં આવે, તો મહાનગરપાલિકાને નુકસાન થશે.
દુકાનોના ભાડાની શરતોના લીરેલીરા ઉડયાં
નિયમ મુજબ પાલિકાની મિલકત અન્ય કોઈને પેટા ભાડે કે વેચાણથી આપી શકાતી નથી. આમ છતાં, મરીડા ભાગોળની ૧૭ દુકાનોમાં ભાડૂઆતોએ બારોબાર વેચાણ કરીને તગડી રકમ વસૂલી લીધી છે. શરતભંગના આ ગંભીર કિસ્સામાં પાલિકાનું વર્ષોનું ભાડું પણ બાકી છે, છતાં તંત્ર મૌન સેવીને બેઠું છે.


