Local Body Elections In Valsad: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વહીવટી તંત્રની એક ગંભીર બેદરકારી સામે આવી છે. ઉમરગામ તાલુકા પંચાયતની દહેરી બેઠકની નવી જાહેર થયેલી મતદાર યાદીમાંથી એકસાથે 1400 જેટલા મતદારોના નામ ગાયબ થઈ જતાં ભારે હોબાળો મચ્યો છે.
દહેરી બેઠકના મતદારો અન્ય યાદીમાં 'ટ્રાન્સફર'
રાજકીય ગરમાટા વચ્ચે જ્યારે ઉમેદવારો અને મતદારોએ નવી યાદીમાં પોતાના નામ શોધવાનું શરૂ કર્યું, ત્યારે તંત્રની મોટી ભૂલ પ્રકાશમાં આવી હતી. દહેરી બેઠક હેઠળ આવતા ભંડારવાડ, પતરાગઢ, રામવાડી, બગરિયા અને ભીંડીયા ફળિયાના કુલ 1400 મતદારોના નામ યાદીમાંથી ગુમ હતા. તપાસ કરતા સામે આવ્યું કે, આ તમામ મતદારોને ટેકનિકલ ક્ષતિ કે બેદરકારીને કારણે દહાડ બેઠકની મતદાર યાદીમાં સમાવી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વસતિ ગણતરી પર બ્રેક! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે સરકારનો મોટો નિર્ણય
ભાજપના દાવેદારો અને આગેવાનો મામલતદાર કચેરીએ પહોંચ્યા
ચૂંટણીમાં દાવેદારી કરવા ઈચ્છતા ભાજપના ઉમેદવારો જ્યારે પોતાના નામ શોધવા ગયા ત્યારે નામ ન મળતા સ્તબ્ધ બની ગયા હતા. આ ગંભીર છબરડાને પગલે દહેરીના સરપંચ, ઉપસરપંચ અને અન્ય સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ દોડી ગયા હતા. આગેવાનોએ ચૂંટણી શાખાના અધિકારીઓને મળીને આ ગંભીર ભૂલ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.
આગામી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ અવરોધ ન આવે તે માટે આ યાદીમાં તાત્કાલિક સુધારો કરી મતદારોને તેમની મૂળ બેઠક પર પરત લાવવા માગ કરી છે.
તંત્રની ભૂમિકા સામે સવાલ
મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ આટલી મોટી ભૂલ કેમ કોઈના ધ્યાને ન આવી તે બાબતે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શું તલાટી-કમ-મંત્રી દ્વારા યાદીની યોગ્ય ચકાસણી કરવામાં આવી ન હતી? શું પંચાયત કચેરીના નોટિસ બોર્ડ પર નિયમ મુજબ યાદી મૂકવામાં આવી હતી? આટલા મોટા પાયે મતદારોની અદલાબદલી માટે જવાબદાર કોણ? હાલમાં આ મામલે મામલતદાર દ્વારા તપાસના આદેશ આપી ભૂલ સુધારવાની ખાતરી આપવામાં આવી છે, પરંતુ આ છબરડાને કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.


