પૃથ્વીમાં સતત કંપનથી ભયના ઓથાર હેઠળ જીવતા લોકો : શ્રેણીબધ્ધ (સ્વાર્મ) ભૂકંપો એક જ વિસ્તારમાં ઉદ્ભવે છે : મોટાભાગના આંચકા રાત્રે આવતા લોકો ઉંઘી શકતા નથી
રાજકોટ, : અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મિતિયાળામાં ભૂકંપોનો સિલસિલો શાંત થવાનું નામ લેતો નથી. ગઈકાલે પરોઢીયે 3.3ના તીવ્ર ભૂકંપ બાદ ફરી રાત્રિના 1.14 વાગ્યે 3.0નો તીવ્ર ભૂકંપ એક જ વિસ્તારમાં ઉદ્ભવ્યો હતો અને ગત 30 કલાકમાં ભૂકંપના નાના-મોટા 14 આંચકા નોંધાયા છે.
અમરેલીથી વિશેષ અહેવાલ મૂજબ ગઈકાલે લોકો પરોઢીયે ચારેક વાગ્યે અને ગત મોડી રાત્રે તીવ્ર ભૂકંપથી લોકો ભરઉંઘમાંથી જાગી ગયા હતા અને ઘરબહાર દોડી ગયા હતા. આ ભૂકંપ પછી 1.37 વાગ્યે, સવારે 4.18 વાગ્યે, 8.58 વાગ્યે, 4.16 વાગ્યે, 4.24 વાગ્યે, 4.57 વાગ્યે, 7 વાગ્યે, 7.15 વાગ્યે, 7.51 વાગ્યે એમ ઉપરાઉપરી કૂલ 14આંચકા અને ત્યારબાદ પણ કંપન ચાલુ રહ્યું છે.
સતત ભૂકંપો કે જેની ધ્રુજારી અનુભવાય છે તેનાથી લોકોમાં ભયની વ્યાપક લાગણી પ્રસરી છે. વર્ષોથી અમરેલીના આ વિસ્તારમાં સેંકડો ભૂકંપો આવી રહ્યા છે જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 35થી 45 કિ.મી. દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ દિશાએ મિતિયાળા આસપાસ રહ્યું છે અને આ ભૂકંપોની ઉંડાઈ 8- 9 કિ.મી. એટલે કે ધરતીની ઉપરી સપાટીએ ઉદ્ભવે છે.


