જામનગરનાં બે પૂર્વ કોર્પોરેટરની ગેંગના
અસલમ ગેંગનાં વધુ 4 આરોપી પકડાતા ત્રણ દિવસનાં રિમાન્ડ પર લેવાયા
રાજકોટ રેન્જના આઇજી નિલપ્ત રાયની સુચના મુજબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ અસલમ કરીમ ખીલજી તથા અલ્તાફ ગફાર ખફી બન્નેની ટોળકી સામે કડક એક્શન લેવામાં આવ્યા હતા અને સિટી એ.ડિવિઝન પોલીસ મથકમાં ગુજસીટોક અંગેનાં બે ગુના દાખલ કરવામાં આવ્યા હતા. અસલમ ખીલજી ગેંગના સભ્યો વિરૂધ્ધ કુલ -૪૬ તથા અલ્તાફ ખફી ગેંગના સભ્યો વિરૂધ્ધ કુલ-પર ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હોય. બંન્ને ગેંગ વિરૂધ્ધ ગુજરાત આંતકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ (ગુજસિટોક) ની કલમ હેઠળ કાર્યવાહી કરાઈ હતી.
અસલમ કરીમભાઇ ખીલજી ગેંગના કુલ ૧૮ સભ્યો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે પૈકી કુલ ૧૩ આરોપીને ઝડપી લેવાયા હતા જયારે પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ગફારભાઇ ખફીની ગેંગના ૧૧ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે પૈકી કુલ ૮ આરોપી હાલ જેલમાં છે. તેમજ ૧ આરોપીને ઝડપી લેવાયો હતો. જે તમામ ૧૪ આરોપીઓને રિમાન્ડ પર લેવાયા હતા.
આ તમામની રિમાન્ડની મુદત પૂરી થતાં ફરીથી રાજકોટની સ્પેશિયલ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતા તમામને જેલ હવાલે કરવા હુકમ થયો છે. અદાલત દ્વારા બંધ કવર આપવામાં આવ્યા હતા અને તમામને મોરબી, રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત સહિતની અલગ અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
દરમિયાન ગઇકાલે જામનગર પોલીસે અસલમ ખીલજીની ગેંગના વધુ ચાર આરોપીઓ અસલમ કાદરભાઇ શેખ, ઇસ્માઇલ માંડલિયા, નદીમ ખીલજી અને લતીફ હાજીભાઇ શેખની ધરપકડ કરી ચારેય આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર લેવાયા છે. તેઓની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.


