Get The App

વાપીમાં રીક્ષામાંથી 13.730 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડાયો : પાંચની ધરપકડ, બે વોન્ટેડ

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
વાપીમાં રીક્ષામાંથી 13.730 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડાયો  : પાંચની ધરપકડ, બે વોન્ટેડ 1 - image

Valsad : વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વાપીના કરવડ ગામની સીમમાં ઓટો રીક્ષામાં રૂ.6.86 લાખની કિંમતના 13.730 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે મહિલા, તરૂણી સહિત પાંચ આરોપીની ધરપકડ કરી જથ્થો આપનાર સહિત બે શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો. ગાંજાનો જથ્થો ભૂવનેશ્વરથી ટ્રેન મારફતે લવાયા બાદ વાપી રેલવે સ્ટેશનેથી રીક્ષામાં ગાંજાના 13 પાર્સલો ભરી આરોપી ડિલીવરી કરવા જતાં પકડાઈ ગયા હતા.

 વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વાપી કરવડ ગામે નહેર નજીક બાતમીના આધારે ઓટો રીક્ષા (નં.જીજે-15-જીએ-0495) ને અટકાવી હતી. રીક્ષા ચાલક સોકત કરીમ ખલીફા (રહે. ડુંગરા)ની પૂછપરછ કરી હતી. રીક્ષામાં સવાર મહિલા સહિત ચાર વ્યક્તિઓને નીચે ઉતારી તપાસ આદરી હતી. તપાસ દરમિયાન 13 પાર્સલો મળી આવ્યા હતા. પોલીસે પાર્સલો ખોલી તપાસ કરતા સફેદ કલરના પાવડર ભરેલી પ્લાસ્ટિકની કોથળીઓ મળી આવી હતી. બાદમાં પોલીસે એફએસએલની મદદથી પરિક્ષણ કરતા ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે રૂ.6.86 લાખની કિંમતનો 13.730 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો.

પોલીસે પાંચ આરોપી સોકત ખલીફા, મનસુર વિનોદ સિંગ (રહે. કરવડ), સરસ્વતીબેન ઈન્દ્રજીત ભોઈ (રહે. કટક, ઓરિસ્સા), ગણેશ રિતુ પૂર્તિ (રહે. ભૂવનેશ્વર, ઓરિસ્સા) અને તરૂણીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપી પૈકી સરસ્વતી ભોઈની પૂછપરછ કરતા તેણીએ ઓરિસ્સાના ભૂવનેશ્વર ખાતે રહેતી ગીતાંજલી મહાપાત્રાએ ગાંજાના 13 પાર્સલો આપ્યા હતા. બાદમાં આરોપીઓ ભૂવનેશ્વરથી ટ્રેન મારફતે મુંબઈના કલ્યાણ જંકશન પર ઉતરી રાજકોટ સિકંદરાબાદ ટ્રેનમાં બેસી વાપી રેલવે સ્ટેશને ઉતર્યા હતા. જથ્થો વાપી વિસ્તારમાં રહેતા મજરુલ નામના શખ્સને પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું. ડુંગરા પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોધી ગીતાંજલી અને મજરુલને વોન્ટેડ જાહેર કર્યા છે.