Gujarat

આણંદ જિલ્લામાં સતત 2 દિવસે પણ કોરોના પોઝિટિવના 11 કેસ

By GS Team
31 Jul 20202 mins read
This article was originally published on 31 Jul 2020
આણંદ જિલ્લામાં સતત 2 દિવસે પણ કોરોના પોઝિટિવના 11 કેસ

આણંદ, તા. 31 જુલાઈ 2020, શુક્રવાર

આણંદ શહેર સહિત જિલ્લાભરમાં છેલ્લા ૨૫ દિવસથી કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું છે. દિવસેને દિવસે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેને લઈ જિલ્લાવાસીઓણાં ફફડાટની લાગણી વ્યાપી છે. આજે પણ જિલ્લાના આણંદ તાલુકામાંથી ૩, પેટલાદ તાલુકામાંથી ૨, ખંભાત તાલુકામાંથી ૩, તારાપુર તાલુકામાંથી ૨ અને સોજિત્રા તાલુકામાંથી ૧ મળી કુલ ૧૧ પોઝીટીવ કેસ નોંધાયા છે.

આણંદ જિલ્લાના ખંભાત, પેટલાદ અને બોરસદમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યા બાદ છેલ્લા એક સપ્તાહથી કોરોના વાયરસે વિવિધ ગ્રામ્ય વિસ્તારો તરફ પ્રયાણ કર્યું છે. આણંદ શહેરમાં પણ કોરોના વાયરસ ફેલાયા બાદ હવે તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધ્યું છે. આજે નોંધાયેલ કોરોનાના નવા ૧૧ કેસોમાં આણંદ તાલુકાના વઘાસી ગામે પ્રાથમિક શાળા પાછળ રહેતા એક ૬૫ વર્ષીય મહિલા, બોરીઆવી ગામની સેન્ટ્રલ બેંક પાછળ રહેતી ૬૭ વર્ષીય મહિલા તથા આણંદ તાલુકાના કુંજરાવ ગામે પીએચસી સેન્ટરની એક ૫૮ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે ખંભાતના દુધારવાડ ચોક વિસ્તારમાં રહેતા ૮૪ વર્ષીય પ્રૌઢ, ખંભાતની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતી ૫૩ વર્ષીય મહિલા અને ખંભાત તાલુકાના નગરા ગામે રહેતી ૨૬ વર્ષીય યુવતી પણ કોરોનાથી સંક્રમિત થઈ હોવાના અહેવાલ સાંપડયા છે. જ્યારે તાલુકા મથક પેટલાદની એક ૩૦ વર્ષીય મહિલા તેમજ પેટલાદ તાલુકાના પંડોળી ગામે બેંક ઓફ બરોડા નજીક આવેલ હોળી ચકલા ખાતે રહેતા ૮૬ વર્ષીય પુરૃષ પણ કોરોનામાં સપડાયા છે. તારાપુર તાલુકાના રીંઝા ગામે રહેતી ૨૦ અને ૨૧ વર્ષીય બે અલગ-અલગ યુવતીઓનો પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે સોજિત્રા તાલુકાના ગાડા ગામે પ્રજાપતિ નિવાસમાં રહેતી ૫૮ વર્ષીય મહિલા પણ કોરોનાથી સંક્રમિત થઈ છે.

આજે નોંધાયેલ આણંદ જિલ્લાના ૧૧ નવા પોઝીટીવ દર્દીઓ પૈકી બોરીઆવી, ગાડા, પંડોળી, ખંભાતના દર્દીઓ હાલ ઓક્સિજન ઉપર હોવાની માહિતી મળી છે. જ્યારે રીંઝા, કુંજરાવ, નગરા અને પેટલાદના દર્દીઓની હાલત સ્થિર હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.