વડોદરા,આજવારોડ એકતાનગરમાં રોડ પર પાણી ઢોળવાના મુદ્દે મારામારી થતા છરા, લાકડી અને પથ્થરથી હુમલો થતા ૧૦ લોકોને ઇજા પહોંચી હતી. પોલીસે કુલ ૧૪ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે.
આજવારોડ એકતાનગરમાં રહેતા જહીર અકબરભાઇ મલેકે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૫ મી તારીખે અમારા મહોલ્લામાં રહેતા ફિરોજના દીકરા સાહિલનું લગ્ન હતું. લગ્નમાં પ્લાસ્ટિકના ડ્રમમાં ભરેલું પાણી વધતા તે રાત્રે રોડ પર પાણી ઢોળતો હોઇ મેં તેને કહ્યું કે, તમે રોડ પર પાણી ઢોળીને કિચડ ના કરશો. તેણે ઉશ્કેરાઇને મને ગાળો બોલી ઝઘડો શરૃ કર્યો હતો. તેના સાળાએ લાકડીથી હુમલો કર્યો હતો. મને છોડાવવા આવેલા બહેન, બનેવી તથા મામા પર પણ તેઓએ હુમલો કર્યો હતો. જ્યારે સામા પક્ષે દાઉદ ઘાંચીએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, પાણીનો નિકાલ કરવા બાબતે આરોપીઓએ ઝઘડો કરી લાકડી,પથ્થર, છરાથી હુમલો કરતા મને તથા અન્ય પાંચને ઇજા પહોંચાડી હતી.


